- ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખોનું એલાન કરવામાં આવ્યું
- કાર્યકર્તાઓ ચૂંટણીને લઇ તૈયાર
- આપ પાર્ટીના આગમનથી ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળશે
સુરત: શનિવારે ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી તૈયાર છે. આ વખતે આપ પાર્ટીના આગમનથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળશે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણીને લઇ તૈયાર છે અને 5 વર્ષ દરમિયાન કાર્યકર્તાઓએ લોકો માટે અનેક કામો કર્યા છે. આ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવી છે તે લોકો સુધી પહોંચી છે. જેથી લોકો આ વખતે ફરી ભાજપને ચૂંટણીમાં વિજય અપાવશે.
વિકાસના કાર્ય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા
તેમણે જણાવ્યું હતું કે, 5 વર્ષ દરમિયાન લોકો માટે વિકાસના કાર્ય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. 5 વર્ષની કામગીરીને ધ્યાનમાં રાખી જ લોકો આ વખતે મતદાન કરશે. હાલ 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જે પરિણામ આવ્યું છે, તે જ પરિણામ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળશે.