સુરત: રાંદેર રોડ ખાતે જર્જરિત ઈમારતનો ભાગ ધરાશાયી થતા એપાર્ટમેન્ટની નીચે બંધ દુકાન બહાર સૂતેલા ત્રણ શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યો છે. સુરતમાં મોડી રાતે ભારે પવન અને વરસાદના કારણે જર્જરિત ઈમારતનો ભાગ ધરાશાયી થતાં 3 વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે.
રાંદેર વિસ્તારમાં આવેલા નિલાજન એપાર્ટમેન્ટમાં 4 વાગ્યાના અરસામાં ધડાકાભેર ગેલેરી તૂટી પડી હતી. ભારે વરસાદના કારણે આ ઘટના બની છે. 50 વર્ષ જૂના એપાર્ટમેન્ટ જર્જરીત હોવાના કારણે ખાલી કરાવાયેલું હતું. જોકે, કાળી મજૂરી કરી રાત્રે આ બિલ્ડીંગની નીચે સૂતેલા ત્રણ શ્રમજીવીએ આ ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
સવારે 4 વાગ્યના અરસામાં ધડાકાભેર અવાજ આવતા લોકો ભયભીય થઈ ગયા હતા. લોકોએ બહાર નીકળીને જોયું તો નિલાંજન એપાર્ટમેન્ટની પહેલા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. લોકોએ દોડીને ઘટના સ્થળે જઈ બે શ્રમિકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર અને 108ને આપવામાં આવી હતી. ફાયરના જવાનોએ એક ને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન 35 વર્ષીય અનિલચંદ્ર નેપાળી 45 વર્ષીય જગદીશચંદ્ર ચૌહાણ અને 40 વર્ષીય રાજુ અમૃતલાલ મારવાડીનું મોત થયું છે.
પાલિકાના ડેપ્યુટી કમિશ્નર સી.વાય.ભટ્ટે જણાવ્યું હતું કે, બિલ્ડીંગ લગભગ 50 વર્ષ જૂનું છે અને 9 મહિના પહેલા SMCએ ખાલી કરાવ્યું હતું. વર્ષ 2011માં નોટિસ આપવામાં આવી હતી અને ત્યાર બાદ ઓન બિલ્ડર અને કબ્જેદારોને નોટિસ ફટકારવામાં આવી હતી.આ સાથે દુકાનના માલિકોને પણ નોટિસ આપવામાં આવી હતી. આ એપાર્ટમેન્ટમાં નીચે બંધ દુકાન બહાર શ્રમજીવીઓ સૂતા હતા. વરસાદને કારણે મોટાભાગના શ્રમજીવીઓએ આ જગ્યા પરથી બીજે આશ્રય લીધો હતો. જોકે સમગ્ર ઘટના બાદ બિલ્ડર અને કબજેદારો સામે પોલીસ કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે.