- સુરત ભાજપના નેતા પીવીએસ શર્માની મુશ્કેલી વધી
- ઈડીએ પીવીએસ શર્મા સામે પોલીસ ફરિયાદ નોંધાવી
- સંકેત મીડિયાના નામે સરકારને ચોપડ્યો કરોડોનો ચૂનો
- ખોટા આંકડા આપી 2.70 કરોડની જાહેરાતો મેળવી
સુરતઃ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરટ દ્વારા ભાજપના કોર્પોરેટર અને આવકવેરા વિભાગના પૂર્વ અધિકારી પીવીએસ શર્મા સામે શહેરના ઉમરા પોલીસ મથકમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શર્મા વિરૂદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે એ સર્ક્યુલેશનના ખોટા આંકડા આપી રૂપિયા 2.70 કરોડની જાહેરાતો મેળવવાના મામલામાં મની લોન્ડરીંગ એક્ટની કલમ 465, 468, 471, 420 અને 120B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સ્પેશિયલ ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવશે
અંગ્રેજી અને ગુજરાતી ભાષાના સમાચારપત્રોના સર્ક્યૂલેશનના આંકડાઓ વધુ બતાવી કેન્દ્ર સરકારની એજન્સી ડીએબીપી પાસેથી રૂપિયા 2.70 કરોડની જાહેરાતો મેળવવામાં આવી હતી તથા રો મટિરિયલની ખરીદી બોગસ હોવાનું બહાર આવ્યું હતું અને ખરીદી બોગસ દસ્તાવેજોના આધારે કરવામાં આવી હતી. 26 જાન્યુઆરી 2020ના રોજ પીવીએસ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે હવે ઈડી દ્વારા વિધિવત્ ફરિયાદ નોંધાવી સ્પેશિયલ ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.