- સુરતમાં રહેતા યુવકની ફરિયાદથી મસમોટા કૌભાંડ સામે તપાસ શરૂ
- ઝારખંડના જામતારા ખાતેથી મુખ્ય આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલ ઝડપાયો
- પોલીસે આ મામલે તપાસ કરતા એક પછી એક 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
સુરત: લોકોના લાઈટ બીલ મેળવી લાઈટબીલના આધારે અન્ય લોકોને શિકાર બનાવી લાઈટબીલની રકમ પોતાના ખાતામાં જમા કરાવી ઓનલાઈન ઠગાઈ આચરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ઘટનામાં 6 આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીને ઝારખંડના પંદનીયા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેંગે ભારતભરમાંથી લોકોને શિકાર કરી 2245 જેટલા વીજબીલ ભર્યા છે. જેના બીલ ભરાયા તેઓની પાસેથી પૈસા મેળવી કુલ 3 કરોડ, 67 લાખ 15 હજાર અને 343 રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં સતત ચોથા દિવસે પણ ફાયર દ્વારા સીલની કામગીરી યથાવત
RBL બેંકમાંથી બોલતો હોવાની વાત કરી ચલાવતા હતા ઠગાઈ
સુરતના કતારગામમાં રહેતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને એક શખ્સે RBL બેંકમાંથી બોલતો હોવાની વાત કરી તેઓને વિશ્વાસમાં લઈને OTP નંબર મેળવી વીજ બીલ ભરી દીધું છે. આ મામલે કતારગામ પોલીસે તપાસ કરી 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. પરંતુ, સુરત પોલીસ પાસે આવી અનેક ફરિયાદો આવી હતી. તેમાં મોટા ભાગે RBL બેંકના કસ્ટમરો શામેલ હતા. જેથી, સુરત પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ શરુ કરી હતી. જેમાં, સુરત સાયબર ક્રાઈમ, કતારગામ પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઈમની મદદ લઇ ઝારખંડના જામતારા ખાતેથી મુખ્ય આરોપી જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરતા એક પછી 6 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપી
- વીરભદ્ર સિંગ ધર્મેન્દ્રસિહ ઝાલા [રહે. ભાવનગર]
- મેહુલ જવેરભાઈ કાકડિયા [રહે.કતારગામ, સુરત]
- યશ ભરતભાઈ ભુપાણી [ રહે.અમરોલી, સુરત]
- મનીષ દેવરાજભાઈ ભુવા [ધંધો, બીલ કલેક્શન, રહે, કતારગામ, સુરત]
- મિલન હરસુખભાઈ ચોવટિયા [રહે.કતારગામ સુરત]
- જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડળ [રહેઝારખંડ]
આરોપીઓ દ્વારા ભારતભરમાં કુલ 2245 વીજ બીલ ભર્યા
પોલીસની તપાસમાં આરોપીઓ કબુલ્યું હતું કે, તેઓએ વીજબીલના ગ્રાહકોની વિગત મેળવીને અન્ય લોકોને બેંક અધિકારીઓના નામે ફોન કરીને તેઓના બેંકની માહિતી મેળવી લેતા હતા અને જે લોકોના વીજ બીલની માહિતી હોય તેઓના વીજબીલ ભરાવી દેતા હતા. જેનું વીજ બીલ ભરાયું હોય તેઓની પાસેથી રૂપિયા પડાવી લેતા હતા. આવી રીતે આરોપીઓએ ભારતભરમાંથી કુલ 2245 વીજ બીલ ભરાવી લીધા હતા. જેની રકમ કુલ 3,67,15,343 રૂપિયા થાય છે.
આ પણ વાંચો: માંગરોળના સિયાળજ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત
આરોપીઓએ ક્યાં રાજયોમાંથી કેટલા વીજબીલ ભર્યા
- ગુજરાતમાં - 2113
- પંજાબ- 113
- હરીયાણા-11
- રાજસ્થાન-05
- ઉતરપ્રદેશ -02
- મહારાષ્ટ્ર-01
115 એકાઉન્ટમાં જમા કરાવેલા 59.93 લાખ ફીઝ કરાયા
આ ઘટનામાં પોલીસે તપાસ શરુ કરતા અલગ અલગ બેંકના કુલ 115 બેક એકાઉન્ટમાં જમા કરાવેલા કુલ 59.93 લાખ ફ્રીઝ કર્યા હતા. તેમજ સુરત શહેરના 4 ગુનાનાં અને અમદાવાદ શહેરનો એક ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
અલગ અલગ એપ્લીકેશનનો કરતા હતા ઉપયોગ
ઝડપાયેલા આરોપી અલગ અલગ એપ્લીકેશનનો ઉપયોગ કરી RBL બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી વીજબીલ ભરપાઈ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ અને 8.04 લાખની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.