- અમદાવાદ બાદ સુરતમાં પણ રથયાત્રાનું ખૂબ જ છે મહત્વ
- આ વખતે હરિભક્તોએ સરકાર પાસે પરવાનગીની આશા રાખી
- સુરત ઇસ્કોન મંદિરમાં જગન્નાથની યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ
સુરત : દેશભરમાં અષાઢી બીજનો દિવસ હરિભક્તો માટે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. આ દિવસની રાહ હરિભક્તો એક વર્ષ સુધી જોતા હોય છે. આ દિવસે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. ઓરિસ્સા બાદ રથયાત્રા સૌથી મહત્વ ગુજરાતમાં ધરાવે છે. ગુજરાતમાં પણ અમદાવાદ બાદ સુરતમાં રથયાત્રાનું ખૂબ જ વધુ મહત્વ છે, પરંતુ સુરતના હરિભક્તોની નજર આ વખતે સરકારની ઉપર છે . ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રા કાઢવામાં આવી ન હતી. આ વખતે હરિભક્તોએ સરકાર પાસે આશા રાખી છે કે, તેમને પરવાનગી આપવામાં આવે. જેથી સરકારના તમામ નીતિ-નિયમો અનુસાર તેઓ આ વર્ષે રથયાત્રા (Rathyatra 2021) કાઢી શકે.
તમામ તૈયારીઓ પૂર્ણ
સુરત ઇસ્કોન મંદિર (Surat Isckon Temple) માં જગન્નાથની યાત્રાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન માટેના વાઘા પણ વૃંદાવનથી આવી ગયા છે. એટલું જ નહીં જે રથ પર ભગવાનને વિરાજમાન કરીને નગર ભ્રમણ કરાવવામાં આવતા હોય છે, તેનું પણ રંગરોગાન કરી દેવામાં આવ્યું છે.
![વૃંદાવનથી આવેલા ભગવાનના વાઘા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/suratrathyatrataiyarirtu_29062021181045_2906f_1624970445_323.jpg)
અમે તમામ નિયમોનું પાલન કરી રથયાત્રા કાઢીશું
Rathyatra 2021 અંગે ઈસ્કોન મંદિરના સંચાલક સચિ સુત કુમાર દાસે કહ્યું કે, જો સરકાર અમને પરવાનગી આપશે તો અમે રથયાત્રા કાઢવા માટે તૈયાર છીએ. સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન અમારા દ્વારા કરવામાં આવશે. અમે તમામ તૈયારીઓ કરી લીધી છે. સુરતના લોકો પ્રસન્ન થઈ જશે. રથમાં ભગવાન જગન્નાથ ,સુભદ્રાજી અને બલરામને જોવાનો અર્થ છે કે તમામ પાપોથી વ્યક્તિને મુક્તિ માટે દ્વાર મળી જતું હોય છે. ઇસ્કોન સાથે ખૂબ જ શિક્ષિત લોકો જોડાયેલા છે. અમે સરકાર ઉપર કોઈપણ પ્રકારનું દબાણ નાંખવા ઈચ્છતા નથી પરંતુ જો સરકાર અમને શરતોના આધીન પરવાનગી આપશે તો અમે તમામ નિયમોનું પાલન કરી રથયાત્રા કાઢીશું