- લક્ઝરી બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો અને રીક્ષા ચાલકને અડફેટે લીધા
- એકનું ઘટના સ્થળે મોત, 3 લોકોને ગંભીર ઇજા
- લકઝરી બસ ચાલક બસ મૂકી ફરાર થયો
સુરત: જિલ્લામાં દિન- પ્રતિદિન અકસ્માતની ઘટના વધી રહી છે. થોડા દિવસ પહેલા કિમ- માંડવી નજીક પલોદગામ રોડ પર ફૂટપાથ પર સુઈ રહેલા લોકો પર ડમ્પર ફરી વળતા 22 શ્રમજીવી પરિવારના મોત નિપજ્યા હતા અને થોડા દિવસો પહેલા એક ટ્રક ચાલકે BBAના વિધાર્થીને કચડી નાખતા તેનું મોત નીપજ્યું હતું, ત્યારે વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં ગંગા હોટલ નજીક પસાર થઈ રહેલી ઓમ સાઈ રામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પુરઝડપે પસાર થઈ રહી હતી. લક્ઝરી બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો અને રીક્ષા ચાલકને અડફેટે લીધા હતા, ત્યાર બાદ બસ ડિવાઈડર પર ચડી 31 વર્ષીય ભરત રામજીભાઈ લાડુમૂર નામના વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 3 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસે લકઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી બસ કબ્જે લધી
અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર રફીક શેખે જણાવ્યું હતું કે, પુણાગામ રોડ પર તે તેમની માતા સાથે ટેમ્પોમાં પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન એક લકઝરી બસ ચાલક પાછળથી ટેમ્પોને ટક્કર માર્યા બાદ રીક્ષાને અડફેટે લીધી હતી, ત્યાર બાદ ટેમ્પો લકઝરી ડિવાઈડર ચડી જતા એક વ્યક્તિને અડફટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનામાં મારી માતાને ગંભીર ઇજા પહોંચી છે અને મારા હાથમાં ફેક્ચર થયું છે અન્ય એક વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી, લકઝરી બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પુણાગામ પોલીસે લકઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી બસ કબ્જે લધી છે. હાલ પોલીસે અકસ્માતમાં ભોગ બનનાર ઈજાગ્રસ્ત લોકોના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.