- કેદીઓ જેલમાં રહી રત્ન કલાકાર બન્યા
- લાજપોરની સેન્ટ્રલ જેલમાં કેદ કેદીઓ હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે
- બે વર્ષ પહેલા એક ખાનગી કંપની સાથે MOU
સુરતઃ શહેરના લાજપોર ખાતે આવેલા સેન્ટ્રલ જેલમાં કેદ કેદીઓ હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે. હીરા કટિંગ અને પોલિશિંગનું કામ છેલ્લા બે વર્ષથી સુરતના સબ જેલમાં કરવામાં આવે છે અને આ કામ કારાવાસ ભોગવી રહેલા કેદીઓ દ્વારા થઈ રહ્યું છે. આ અંગે જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ મનોજ નિનામાએ જણાવ્યું કે, બે વર્ષ પહેલા એક ખાનગી કંપની દ્વારા આ અંગે એમઓયુ કરવામાં આવ્યું હતું. એમઓયુ બાદ કેદીઓને તાલીમ આપવામાં આવે છે અને તેઓ તાલીમ બાદ હીરા કટિંગ અને પોલિશિંગનું કામ જેલની અંદર કરે છે અને રોજગાર મેળવે છે.
આઠથી દસ હજાર રૂપિયા કમાવી પણ રહ્યા છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કેદીઓને રોજગાર આપવાનું છે. જેથી જેલમાં રહી તેઓ પોતાના સ્વજનો માટે કઈક આર્થિક સહાય કરી શકે એટલું જ નહીં અત્યારે 45થી વધુ જેટલા કેદીઓ હીરા કટિંગ અને પોલિશિંગના કામ કરી રહ્યા છે અને દર મહિને 8થી 10 હજાર રૂપિયા કમાવી પણ રહ્યા છે. બે વર્ષના દરમિયાન કેટલાક 50થી વધુ કેદીઓ આવી જ રીતે હીરા કટિંગ અને પોલિશિંગ કરી રોજગાર મેળવી ચૂક્યા છે અને હાલ જેલની બહાર છે.