- નોકરીના ટેન્શનમાં યુવકે કરી આત્મહત્યા
- યુવકે બાઇક બ્રિજ પર મૂકી નદીમાં ઝંપલાવ્યું
- બાઇક પરથી બેગ અને હેલ્મેટ મળી આવ્યા
બારડોલી: બારડોલી પલસાણા રોડ પર મીંઢોળા પુલ પરથી નદીમાં કુદી 33 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી. બપોરના સમયે પુલ પર બાઇક મૂકી નદીમાં ઝંપલાવ્યું હતું. નોકરી ન મળતી હોવાથી સતત તણાવમાં રહેતા આ પગલું ભર્યું હોવાનું સ્યુસાઇડ નોટમાં જણાવ્યું છે. બારડોલીના ધામદોડ ગામની સરદાર વિલા સોસાયટીમાં રહેતા રિતેશ હસમુખ ટેલરે પલસાણા ખાતે ખાનગી મિલમાં નોકરી કરી પોતાના પરિવારમાં પત્ની અને 5 વર્ષના પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
રિતેશ નોકરી પર પહોંચ્યો ન હતો
આજે શનિવારના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ ફોન નહીં આવતા પત્નીએ ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતા તેની મિલમાં અને અન્ય એક સાઇટ પર પાર્ટટાઈમ નોકરી કરતો હોય ત્યાં તપાસ કરાવી તો ત્યાં પણ રિતેશ પહોંચ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ મળ્યા, સ્યૂસાઈડ નોટમાં આર્થિક તંગીનો કરાયો ઉલ્લેખ
પુલ પરથી બાઇક મળતા નદીમાં શોધખોળ શરૂ કરી
પરિવારજનોએ શોધખોળ કરતાં તેનું બાઇક નંબર જીજે 5 એસ.જે. 0060 બારડોલી પલસાણા નેશનલ હાઇવે નંબર 53 પર મીંઢોળા નદીના પુલ પરથી મળી આવ્યું હતું. આથી ફાયર બ્રિગેડને જાણ કરતાં બારડોલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નદીમાં શોધખોળ શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે નદીમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી. પોલીસે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહનો કબ્જો લીધો હતો અને તપાસ હાથ ધરી હતી.
કાયમી નોકરી ન હોવાથી ટેન્શનમાં હતો
કાયમી નોકરી ન હોવાથી તેના ટેન્શનમાં રહેતો હોવાનું અને રાત્રે ઊંઘ આવતી ન હોવાને કારણે આત્મહત્યા કરી હોવાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મારા સ્યુસાઇડ માટે માત્ર નોકરી જ કારણભૂત છે અને મારા પુત્રને સાચવજો એવું લખાણ લખી આત્મહત્યા કરી લીધી હતી. જો કે, હાલ કાર્યવાહી ચાલુ હોય હજી સુધી પોલીસે સ્યૂસાઇડ નોટ જાહેર કરી નથી.
આ પણ વાંચો: સમામાં સોની પરિવાર આત્મહત્યા કેસમાં પોલીસ જ્યોતિષોની શોધમાં
સોસાયટીના સ્ટીકરને કારણે થઈ ઓળખ
બાઈક પર લગાવવામાં આવેલા સરદાર વિલા સોસાયટીના સ્ટિકરને કારણે મોટર સાયકલની ઓળખ થઈ હતી. જેના આધારે રોડ પરથી પસાર થતાં સંબંધીએ પરિવારજનોને જાણ કરી હતી. અને પરિવારજનોએ સ્થળ પર પહોંચી મોટર સાયકલ રિતેશની હોવાની ઓળખ કરી હતી. બાઇક પર તેની બેગ અને હેલ્મેટ મળી આવ્યા હતા.