- ઇચ્છાપોર ખાતે આવેલા ગુજરાત હીરા બુર્સમાં જ્વેલરી માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનશે
- વર્ષ 2004માં ગુજરાત હીરા બુર્સમાં જ્વેલરી પાર્ક સ્થાપિત કરવાની કરાઈ હતી જાહેરાત
- ટેક્સને લઈ સમસ્યાનું નિરાકરણ સરકાર દ્વારા વર્ષો બાદ લાવવામાં આવ્યું છે
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેઓએ સુરત માટે એક સ્વપ્ન જોયું હતું. તેમની ઇચ્છા હતી કે વિશ્વના 100 માંથી 90 હીરા કટિંગ પોલિશિંગ કરનારું સુરત શહેર જ્વેલરી સેક્ટરમાં પણ આગળ આવે. આ માટે વર્ષ 2004માં ઇચ્છાપોર ખાતે આવેલ ગુજરાત હીરા બુર્સમાં જ્વેલરી પાર્ક સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ટેક્સેશનના ગુંચવણ કારણે વેપારીઓ આ પ્રોજેક્ટમાં રુચિ બતાવી નહોતી. આ સમસ્યાનું નિરાકરણ સરકાર દ્વારા વર્ષો બાદ લાવવામાં આવ્યું છે. ચાર દિવસ પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ્યારે સુરત ખાતે આયોજિત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી, ત્યારે તેઓએ અગત્યની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ જાહેરાત કરી હતી કે, સુરતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જવેલરી પાર્ક બનાવવામાં આવશે. જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આ મોટી તક છે અને સરકાર દ્વારા જે ટેક્સેશનને લઈ અસમંજસ હતું તેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
દેશનું એકમાત્ર જ્વેલરી પાર્ક હશે કે જ્યાં સુએઝ વોટરની વ્યવસ્થા
વર્ષ 2004માં શહેરમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઇચ્છાપોર ખાતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સરકાર દ્વારા આ માટે 70 હજાર હેક્ટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. આ સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગના માપદંડથી તૈયાર થનાર જ્વેલરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર હશે. આ દેશનું એકમાત્ર જ્વેલરી પાર્ક હશે કે જ્યાં સુએઝ વોટરની વ્યવસ્થા રહેશે. જ્વેલરી એક્સપોર્ટ યુનિટમાંથી નીકળનાર ગંદા પાણીને ટ્રીટમેન્ટ આપીને કેમ્પસમાં આવેલ વૃક્ષોને પાણી આપવામાં આવશે. કેમ્પસમાં હજારોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. ગુજરાત હિરા બુર્સની અંદર આવનાર લોકો માટે ખાસ પર્યાવરણને ધ્યાનમાં રાખી ઇલેક્ટ્રિક બસ અને CNG બસોની વ્યવસ્થા કરવામાં આવશે.
હીરાના દાગીના બનાવતી સુરતમાં 300 કંપની કાર્યરત છે
70 હજાર હેક્ટર જમીન પર તૈયાર થનાર વર્લ્ડ ક્લાસ જ્વેલરી પાર્કમાં 350 થી વધુ પ્લોટ જ્વેલરી એક્સપોર્ટ યુનિટ માટે રાખવામાં આવેલ છે. અહીં કસ્ટમ વિભાગ, કન્વેન્શન હોલ, બેંક, પોસ્ટલ અને કુરિયર સુવિધા સહિત ઇમ્પોર્ટ એક્સપોર્ટ એજન્સી પણ રહેશે. અનુમાન છે કે, અહીંથી પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો વ્યવસાય થઈ શકશે. જ્વેલરી પાર્ક બનવાથી સરકારને મળનારા ટેક્સમાંથી પણ આવક થશે. હાલ હીરાના દાગીના બનાવતી સુરતમાં 300 કંપની કાર્યરત છે. વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમદાવાદની આર્કિટેક્ટ કંપનીને રોકીને સ્ટ્રક્ચર ડિઝાઇન પણ તૈયાર કરવાની કામગીરી સોંપી દેવામાં આવી છે.
હાલ 16 પ્લોટ પર કન્સ્ટ્રકશનની કામગીરી શરૂ
જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, એક મોટી ટેક્સની રકમને લઇ ગૂંચવણ ચાલી રહી હતી, જેનો સુખદ નિકાલ આવ્યો છે. હાલ 16 જેટલા પ્લોટ પર જ્વેલરી એક્સપોર્ટ યુનિટ કન્સ્ટ્રકશનની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આ સંપૂર્ણ રીતે ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ પર તૈયાર થઈ રહેલો પ્રોજેક્ટ છે. વિજય રૂપાણીની જાહેરાત બહાર આની ઇન્કવાયરી વધી ગઈ છે. આ પાર્કને કારણે રોજગારીની તકો વધશે. જ્વેલરીની સાથોસાથ લેબ્રોન ડાયમંડ માટે પણ શ્રેષ્ઠ તક મળી રહેશે. સૌથી અગત્યની વાત એ છે કે જ્વેલરી મૉલ પણ તૈયાર કરવામાં આવશે.