- માંડવી વન વિભાગે બચ્ચાંને ફરી ખેતરમાં મૂક્યું
- પ્રાથમિક ઉપચાર બાદ માતા સાથે કરવામાં આવશે મિલન
- બચ્ચું ખેતરમાં મળતા મજૂરોમાં ફફડાટ
સુરત: જિલ્લાના બારડોલી તાલુકાના છેવાડાના ઝરીમોરા ગામે શેરડીના ખેતરમાંથી દીપડાનું બે માસનું બચ્ચું મળી આવતા શેરડી કાપતા મજૂરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વન વિભાગે બચ્ચાંનો કબ્જો મેળવી તેની માતા સાથે મિલન કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ
શેરડી કાપણી વખતે મળ્યું બચ્ચું
માંડવી દક્ષિણ રેન્જના પીપલવાડા રાઉન્ડની બેડધા બીટ અંતર્ગત આવતા બારડોલી તાલુકાના ઝરીમોરા ગામે સોમવારના રોજ એક ખેતરમાં મજૂરો શેરડી કાપણી કરી રહ્યા હતા. તે સમયે ખેતરમાંથી દીપડીનું બે માસનું બચ્ચું મળી આવતા મજૂરોમાં ગભરાટ ફેલાય ગયો હતો. તેમણે તાત્કાલિક ખેતર માલિકને જાણ કરી હતી.
પ્રાથમિક સારવાર બાદ બચ્ચાંને વન વિભાગની કચેરીએ લઈ જવાયું
આ અંગેની જાણ એનિમલ સેવિંસ ગૃપ સાથે સંકળાયેલા કડોદના ઇમરાનભાઈને થતા તેઓ તરત સ્થળ પર પહોંચ્યા હતા. બચ્ચાંને લઈ વન વિભાગના RFO ઉપેન્દ્રસિંહ રાઉલજીને જાણ કરી હતી. વન વિભાગની ટીમે બચ્ચાંનો કબ્જો લઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને માંડવી રેન્જની કચેરીએ લાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સાસણ ગીર વન વિભાગે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરી
માતાની સાથે મિલન કરાવવામાં આવશે
મંગળવારે સાંજના સમયે ઝરીમોરી ગામે શેરડીના ખેતરમાં બચ્ચાંને મુકવામાં આવ્યું છે. બચ્ચાંનું માતા સાથે મિલન કરાવવા માટે CCTV કેમેરા અને ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેથી બચ્ચાં અને માતાના મિલનનું દ્રશ્ય કેમેરામાં કેદ થઈ શકે.