- વિદ્યાર્થી ઉમરપાડાના ટેડગા ફળિયાનો રહેવાસી છે
- હોસ્ટેલમાં રહી વાંકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો
- આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી
સુરત: જિલ્લાના ઉમરપાડાના ટેડગા ફળિયામાં રહેતો એલિસન વનરાજભાઈ વસાવા વાંકલ ખાતે આવેલી સરકારી છાત્રાલયમાં રહી સરકારી વિજ્ઞાન કોલેજમાં એસ.વાય. બીએસસીમાં અભ્યાસ કરતો હતો. બુધવારના રોજ આ યુવક કોલેજમાં અભ્યાસ માટે ગયો ન હતો અને છાત્રાલયના રૂમમાં રોકાયો હતો.
આ પણ વાંચો : વડોદરા S.T. ડેપોમાં એક મહિલાએ ઝેરી દવા પી જઈને આત્મહત્યાનો કર્યો પ્રયાસ
સાંજે કોલેજથી વિદ્યાર્થીઓ પરત ફર્યા ત્યારે ખબર પડી
સાંજે અન્ય વિદ્યાર્થીઓ જ્યારે કોલેજથી છાત્રાલયમાં પરત ફર્યા ત્યારે તેના રૂમનો દરવાજો બંધ હતો. બારીમાંથી અંદર જોતા આ યુવકનો મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાઈ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને પોલીસે કટરથી દરવાજો તોડી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી.
આત્મહત્યાનું કારણ અકબંધ
પોલીસના જણાવ્યાં અનુસાર, આત્મહત્યા કરનારો વિદ્યાર્થી ઉમરપાડાનો રહેવાસી હતો. આ ઘટનાને લઇને માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે. આ વિદ્યાર્થી સાથે રહેતા અન્ય વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવા પાછળ કોઈ કારણ ન હોવાનું જણાવી રહ્યાં છે. પોલીસે હાલમાં સમગ્ર મુદ્દે પરિવારને પણ જાણ કરી છે અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : વિસનગરના ભાલક ગામે વૃક્ષ પર લટકતો યુવકનો મૃતદેહ મળ્યો
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો
હાલમાં પોલીસે મૃતદેહનો કબ્જો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. પોલીસ દ્વારા પરિવારનું પણ નિવેદન લેવામાં આવશે. અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીના મોત પાછળ સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.