- અદાણી પોર્ટના કન્ટેનર યાર્ડ તરફ દીપડો દેખાયો
- દીપડો સતત બદલી રહ્યો છે લોકેશન
- દીપડાને પગલે ગ્રામજનોમાં દહેશત
સુરતઃ હજીરા પટ્ટી ઉપર ફરી રહેલો દીપડો સતત લોકેશન બદલી રહ્યો છે. દીપડાને હજીરા પંથકના ગમી ગયું હોય એવું લાગી રહ્યું છે. આ દીપડો અદાણી પોર્ટના કન્ટેનર યાર્ડ પાસે દેખાયો છે. ત્યારે દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા હવે કન્ટેનર યાર્ડ પાસે વોચ ગોઠવવામાં આવી છે. ગત સપ્તાહથી દીપડો હજીરા, એસાર, મોરાગામ તેમજ જુનાગામ ઉપરાંત એસ્સાર જૂની હોસ્ટેલ તરફ ફરી રહ્યો છે. દીપડાને પકડવા માટે વનવિભાગ સઘન પ્રયાસ કર્યા છે, પરંતુ દીપડો સતત લોકેશન બદલી રહ્યો છે. અગાઉ દીપડાના ફૂટ પ્રિન્ટ મળી આવ્યાં હતા. દીપડાએ વાછરડાને ફાડી નાખ્યો હતો જેના કારણે ગામના લોકોમાં દહેશત છે અને લોકો રાત્રી દરમિયાન ઘરેથી નીકળવાનું ટાળી રહ્યા છે.
10થી વધુ પાંજરા અનેક લોકેશન ઉપર મુકવામાં આવ્યાં
આ દીપડા હવે સુરત શહેરના ઉદ્યોગિક વિસ્તાર ગણાતા હજીરા ખાતે દેખાયો છે. આ અંગે વન વિભાગના કર્મચારીઓએ કહ્યું હતું કે, દીપડો અદાણી પોર્ટના કન્ટેનર યાર્ડ તરફ દેખાયો છે. દીપડો અદાણી પોર્ટ આગળ વેરાન અને ઝાડી-ઝાંખરા વાળી જગ્યા આસપાસ ફરે છે, જેના કારણે ઝડપથી પાંજરે નથી પુરાતો. અત્યાર સુધી આશરે 10થી વધુ પાંજરા અનેક લોકેશન ઉપર મુકવામાં આવ્યાં છે.