સુરત : શહેરમાં ફરી આગની ઘટના સામે છે. શહેરના સચિન GIDC વિસ્તારના રોડ નંબર 2 ઉપર આવેલા અનુપમ કોકાકોલા મિલના બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો(Fierce fire Anupam Coca Cola mill at Surat). જેના કારણે ભીષણ આગ ફાટી નીકળતા જ દોડ ધામ મચી ગઇ હતી. ફાયર વિભાગને જાણ થતા જ ફાયર વિભાગની10 વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા(Rescue operation of Surat Fire Department). મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી આવ્યો હતો. આ આગમાં બે લોકોને ઇજાઓ પહોચી હતી. ફાયર વિભાગની ગાડીઓમાં જ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાં એકનું મોત થયું હતું. આ ઘટનામાં 3 વ્યક્તિઓના મૃત્યું થયા છે. જેના નામ સંજય ગોવિદ સોસા (ઉ.વ. 25), પ્રભાતસિંહ ઝા (ઉ.વ.30), રાકેશ સીંગ (ઉ.વ.35) હોવાનું જાણવા મળ્યું છે.
કંપનીનું નિવેદનઃ અમે અત્યંત દુઃખ સાથે આપને સૂચિત કરીએ છીએ કે તારીખ 10 સપ્ટેમ્બર, 2022ના રોજ સચિન જીઆઇડીસીમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. કંપનીના યુનિટ-6 ખાતે એક મેન્યુફેક્ચરિંગ બ્લોકમાં આગ લાગી હતી. અમારી ફાયર રિસ્પોન્સ ટીમ અને સ્થાનિક ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એક વિશેષ ટીમ આગની ઘટનાના કારણની તપાસ કરી રહી છે.આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થયાં છે અને 20 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. જેઓ સ્થાનિક હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યાં છે. અમારા કામદારો અને કર્મચારીઓ અમારી પ્રાથમિકતા છે.
મદદ મળશેઃ એક જવાબદાર કોર્પોરેટ તરીકે અમે અસરગ્રસ્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સહયોગ કરવા કટીબદ્ધ છીએ. સુરત જિલ્લામાં સચિન જીઆઇડીસી અને ભરૂચ જિલ્લામાં ઝગડિયા જીઆઇડીસીમાં વિવિધ સ્થળો ઉપર કાર્યરત છ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં યુનિટ 6 એક સ્વતંત્ર યુનિટ છે અને તેની ક્ષમતા સૌથી ઓછી છે. અમે નુકસાનનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. ટૂંક સમયમાં પ્લાન્ટને શરૂ કરવા જરૂરી પગલાં ભરીશું. વધુમાં અમે સંપત્તિ અને નફામાં નુકસાન સામે વીમા કવચ ધરાવીએ છીએ. કંપની વહીવટીતંત્રને સહયોગ કરીને જરૂરી તમામ મદદ કરી રહી છે.અનુપમ રસાયણે હંમેશાથી તમામ સુરક્ષા અને નિયમોનું પાલન કર્યું છે. તેનું અનુપાલન જાળવી રાખશે તથા ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા જરૂરી પગલાં ભરશે.
આગ પર કાબુ મેળવાયો ફાયર કંટ્રોલરૂમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ આગ રાતે 10:10 કલાકે લાગી હતી. જે દરમિયાન ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. 12 લોકોના રેસક્યું કરવામાં આવ્યા હતા. આગ ઉપર સતત પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, અને આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયરની તમામ ગાડીઓ હાલ પરત ફરી ગયેલ છે.