સુરતઃ શહેરના મગદલ્લા ગામમાં આવેલા ભૈયાજી સ્ટ્રીટમાં ભાડેના મકાનમાં રહેતી વણીડા બૂરસોન નામની થાઈલેન્ડ યુવતીનો સપ્તાહ અગાઉ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની તપાસ ઉમરા પોલીસ અને ખાસ SIT ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતક વણીડાના પરિચિત મિત્રો, સ્પા સંચાલકો તેમજ મેનેજર સહિત રૂમ પાર્ટનરની પણ સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
બીજી તરફ CCTV ફૂટેજમાં જોવા મળેલી આઇડા નામની થાઇ થેરાપીસ્ટ યુવતી શંકાસ્પદ જણાઈ આવી હતી. જેથી પોલીસે આઇડા નામની યુવતીની પ્રથમ પૂછપરછ હાથ ધરતા શરૂઆતમાં તેણીએ પોલીસને ભારે ધક્કે ચઢાવી હતી, જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં અને તેણીના ઘરેથી મૃતકના મોબાઈલ, રોકડ રકમ તેમજ ગોલ્ડ ચેન પરથી સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને આઇડાએ જ વણીડાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે ત્રણ મોબાઈલ, રોકડ રકમ તેમજ મૃતક વાનીડાની સોનાની ચેન મળી કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ મહિલા પાસેથી જપ્ત કર્યો હતો. આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, યુવતીના મોત મામલે તેણીના મિત્રોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મોબાઈલ ફોન અને ગોલ્ડ ચેન વમીડાની ગાયબ છે. જેથી આસપાસના CCTV કેમેરામાં તપાસ કરવામાં આવી હતી. તમામ એકસપાર્ટની મદદ પણ લેવામાં આવી હતી. જ્યાં ટેક્નિકલ અને CCTVની મદદથી પોલીસને મહત્વપૂર્ણ કડી મળી હતી.
પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું કે, નજીકમાં રહેતી આઇડા નામની યુવતીની ગતિવિધિ શંકમંદ જણાઈ આવી હતી. જેથી પુછપરછ કરતા આઇડાએ ખોટી સ્ટોરી ઉભી કરી હતી. ઘટનામાં તેની સંડોવણી છે, તેવો સાફ ઇન્કાર કરતી હતી, પરંતું 11 તારીખે આઇડાના ઘરેથી સોનાની ચેન અને મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત DCP ઝોન-3ના અધિકારી ઉપરાંત SIT દ્વારા ખૂબ મોટા પુરાવા સાથે ગુનો ડિટેકટ કરવામાં સફળતા મળી છે.
ઘટનાના દિવસે રૂમના દરવાજા બહારથી બંધ કરવામાં આવ્યો હતો. જે રૂમની ચાવી આરોપી મહિલાના ઘરે છુપાવામાં આવી હતી. વિદેશી મહિલા હોવાના કારણે જવાબદારી વધી ગઈ હતી અને થાઈ એમ્બેસીનો પણ પૂરો સહયોગ આ ગુનો ડિટેકટ કરવામાં મળ્યો હતો. આઇડાના જણાવ્યા પ્રમાણે તેણી વણીડાના ઘરે રાત્રે ગઈ હતી. બાદમાં ઘરે હુક્કો અને ડ્રિંક્સ પણ પીધો હતો. વધુ નસો કરવાના કારણે વણીડા બેભાન થઈ ગઈ હતી. બાદમાં ધાબળા અને તકિયા વડે મોઢું અને ગળું દબાવી આઇડાએ હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં બાદમાં આઈડા ફરી પોતાના ઘરેથી લાઈટર લઈ આવી હતી. જે લાઈટર વડે વણીડાના રૂમમાં રહેલા ધાબળામાં આગ લગાવ્યા બાદ દરવાજો બહારથી લોક કરી પોતાના ઘરે ચાલી ગઈ હતી.
પોલીસે આઇડાના ઘરે તપાસ કરતા મૃતક વણીડાની ગોલ્ડ ચેન અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ અંગે પોલીસે જણાવ્યું કે, 26 તારીખના રોજ આરોપી વણીડાના વિઝાની તારીખ પૂૂર્ણ થવાથી તેને રૂપિયાની જરૂર હતી. જેથી આઇડાએ અનેક લોકો પાસે રૂપિયા પણ માંગ્યા હતા. આમ છતાં રૂપિયા નહીં મળતાં આખરે હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આ ઘટનામાં પરિવાર અને મૃતકના DNA ટેસ્ટ પણ કરવામાં આવશે. જો કે, હાલ હત્યામાં સામેલ યુવતીનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.
સુરત પોલીસ જે ઘટનાને અકસ્માત સમજી રહી હતી, તે ઘટનામાં આખરે નવો વળાંક આવ્યો છે. જો કે, ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે, માત્ર રૂપિયાની જરૂરિયાત હોવાના કારણે પોતાની જ હમવતની થાઇ થેરાપીસ્ટ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જેથી હાલ ઉમરા પોલીસે સમગ્ર કેસમાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.