- 154 બેડ પૈકી 77 બેડ પર ઑક્સિજનની સુવિધા
- વહીવટી તંત્ર અને ઉકા તરસાડીયા યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ઊભું કરાયું સેન્ટર
- જિલ્લાના કોરોના દર્દીઓને મહદઅંશે રાહત થશે
સુરત: બારડોલી મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલિબા કેમ્પસમાં 154 બેડના કોવિડ સેન્ટરનો શનિવારના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હસમુખ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આ અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં છે. જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવશે.
દર્દીઓ વધતાં નવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો લેવાયો હતો નિર્ણય
સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યું છે. કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સામે જિલ્લામાં સુવિધા ખૂબ જ ઓછી છે. બારડોલી અને માંડવીમાં 36- 36 બેડના કોવિડ કેર સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ તે ગણતરીના કલાકોમાં ફૂલ થઈ ગયા હતા. જેને કારણે જિલ્લાના દર્દીઓને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી હતી. લોકોની મુશ્કેલી નિવારવા માટે હરકતમાં આવેલા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં અલગ જગ્યાએ કોવિડ સેન્ટર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બારડોલી અને મહુવા તાલુકા વચ્ચે ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં તૈયાર કરાયું કોવિડ સેન્ટર
બારડોલી મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીની કબીર બોયઝ હોસ્ટેલમાં 154 પથારીની ક્ષમતા ધરાવતું કોવિડ કેર સેન્ટર માટે છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી હતી. કામગીરી પૂર્ણ થતાં જ શનિવારના રોજ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ કરવામાં આવેલા આ કોવિડ કેર સેન્ટરમાં 77 બેડો પર ઑક્સિજન ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે અન્ય 77 બેડો ઑક્સિજન વગરના છે.
આ પણ વાંચો : લુણાવાડામાં જનસેવા કોવિડ કેર સેન્ટર હોમ આઇસોલેશન દર્દીઓની સારવાર માટે મુકાયુ ખુલ્લુ
લોકોને સરળતાથી સારવાર મળી રહેશે: DDO
આ પ્રસંગે સુરત જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વધી રહેલા કેસોને કારણે વાંકલ બાદ બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સીટીની હોસ્ટેલમાં ઓક્સિજન બેડ સાથેનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી જિલ્લાના લોકોને સરળતાથી સારવાર મળી રહેશે. તેમણે લોકોને વેક્સિનેશન માટે આગળ આવવા અપીલ કરી હતી.
આ પણ વાંચો : VNSGUના કેમ્પસમાં રાજ્ય સરકારની સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર બનાવાશે
જિલ્લાના લોકોને રાહત થશે: જિલ્લા પંચાયત પ્રમુખ
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યુ હતું કે, અહીં વિસ્તારના દર્દીઓને પણ સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત લેબોરેટરી, મેડિકલ રૂમ, મેડિકલ સ્ટોર, નર્સ અને ડૉક્ટર્સને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં બેડ ઉપલબ્ધ થતાં હવે જિલ્લાના લોકોને મહદઅંશે રાહત થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.