- બિલ્ડીંગમાં નળ, ગટર જોડાણ કાપવા સાથે વીજ તથા ગેસ પૂરવઠો બંધ
- બિલ્ડીંગ જર્જરિત થઈ જતા સરગમ શોપિંગ સેન્ટરના ફ્લેટ-દુકાન સીલ
- બિલ્ડીંગના રિપેરિંગ માટે માર્ચ અને જૂનમાં અપાઈ હતી નોટિસ
સુરતઃ સુરતના પાર્લે પોઈન્ટ પર સરગમ કોમ્પલેક્સ ટાવર-એ, બી, સીવાળી હાઈરાઈઝ્ડ રેસિડેન્સિઅલ કમ કોમર્શિયલ બિલ્ડીંગ આવેલી છે. તેના દરેક ફ્લોર પર આવેલી બાલ્કની તથા આર્કિટેક્ચરલ પ્રોજેક્શનવાળા ભાગમાં આરસીસી કોલમ, બીમ, સ્લેબ તથા ચણતરવાળા ભાગમાં તિરાડ તથા ગાબડા પડી સળિયા ખૂલ્લા થઈ ગયા છે. બિલ્ડીંગ જર્જરિત થતાં અહીંયા રહેનારા રહીશોની સાથે રસ્તેથી અવર-જવર કરનાર લોકોને નુકસાન પહોંચે તેવી શક્યતા છે. જેથી પાલિકાએ મકાનને રિપેરીંગ કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ બિલ્ડીંગ રિપેરિંગ ન કરાવતા 2020માં લૉકડાઉન પહેલા 4 માર્ચના રોજ અને ત્યારબાદ 12 જૂનના રોજ ફરી નોટિસ અપાઈ હતી. આમ અત્યાર સુધીમાં કુલ 11 વખત રિમાઈન્ડર નોટિસ આપવા છતા મિલકતદારોએ રિપેરીંગ કરાવીને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ ન કરતા બુધવારે અઠવા ઝોનની ટીમે આ બિલ્ડીંગમાં નળ, ગટર જોડાણ કાપવા સાથે વીજ તથા ગેસ પુરવઠો બંધ કરી દીધો હતો.
બિલ્ડીંગના 96 ફલેટ અને 150 દુકાનોને પાલિકાએ કરી સીલ
આ બિલ્ડીંગના એ અને બી ટાવરના 32-32 રહેણાક ફ્લેટ સાથે 2 હોલ અને સી-ટાવરના 32 ફલેટ અને સરગમ શોપિંગ કોમ્પલેક્સની દુકાનનો વપરાશ ખાલી કરાવી સમગ્ર મિલકતને સીલ કરી દીધી હતી. બિલ્ડીંગમાં 7 ફલેટમાં વપરાશ ચાલુ હતો. જેથી સામાન ખાલી કરાવીને મિલકત સીલ કરાઈ હતી. આમ સરગમ શોપિંગ બિલ્ડીંગના 96 ફલેટ અને 150 દુકાનોને પાલિકાએ સીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એક ફ્લેટની બાલ્કનીમાં તૂટી પડી હતી. જેમાં સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી.