- 7 વર્ષના મંત્રને છે ડાઉન સિન્ડ્રોમ
- દર 1000 બાળકોમાંથી 1 ને થતી બિમારી
- યોગ વડે મગજના કોષો થયા એક્ટિવ
- અડધો કલાકમાં કરે છે 25 યોગાસનો
સુરત: આપણા દેશમાં અનેક સદીઓથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્તી માટે યોગનો ઉપયોગ થતો આવ્યો છે. એવા અનેક અસાધ્ય રોગો કે જેમનો આધુનિક વિજ્ઞાનમાં ઇલાજ શક્ય નથી, તેવા રોગો પર યોગની શક્તિ વડે કાબૂ મેળવી શકાય છે. આ વાતને સાબિત કરી છે સુરતના 7 વર્ષીય માનસિક દિવ્યાંગ મંત્રે કે જેણે ડાઉન સિન્ડ્રોમ જેવી બિમારી સામે યોગાસનો વડે તેની માનસિક પરિસ્થિતિમાં સુધારો મેળવ્યો છે.
મંત્ર જન્મ સમયે 3 કિલોનો તંદુરસ્ત બાળક હતો. પરંતુ દસ દિવસ બાદ અચાનક જ તેનું વજન ઝડપથી ઘટીને બે કિલોગ્રામ જેટલું થઈ ગયું હતું. તેના હૃદય અને મગજનો રિપોર્ટ કઢાવવામાં આવતા તે ડાઉન સિન્ડ્રોમની બિમારીનો ભોગ બન્યો હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું. દર બે મહિને તેને ન્યુમોનિયા તેને ન્યુમોનિયા થઇ જતો અને વર્ષે માંડ એક કિલો વજન વધતું. જોકે તેના માતા-પિતાએ હિંમત છોડી નહીં અને મંત્રની સાથે સાથે તેમણે પણ આ મુશ્કેલી સામે સંઘર્ષ કર્યો. આજે મંત્ર 7 વર્ષનો થઈ ચૂક્યો છે અને માનસિક દિવ્યાંગ હોવા છતાં અડધો કલાકમાં 22થી 25 જેટલા આસનો સરળતાથી કરી શકે છે. તેને દરેક આસન યાદ રાખીને કરતો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે મેડિકલ સાયન્સમાં ડાઉન સિન્ડ્રોમનો કોઈ ઇલાજ નથી. માત્ર યોગ દ્વારા મંત્રની માનસિક પરિસ્થિતિમાં સુધાર આવ્યો છે. જે બાળક એક શબ્દ પણ ઉચ્ચારતો ન હતો તે માત્ર દોઢ વર્ષની યોગની તાલીમ વડે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન શબ્દ બોલતો થયો છે. આજે માત્ર યોગને કારણે તેનું વજન 17 કિલોગ્રામ જેટલું થયું છે. જેનો શ્રેય પરિવારે તેના યોગ શિક્ષિકા નમ્રતા વર્માને આપ્યો છે. તેમની અથાગ મહેનતે મંત્રને આજે એ લાયક બનાવ્યો છે કે તે પોતાનું કામ જાતે કરી શકે છે. તે પોતાની જ ચાલતો, બોલતો અને સમજતો થયો છે.
![સુરતનો 7 વર્ષીય માનસિક દિવ્યાંગ મંત્ર યોગની શક્તિ વડે આપી રહ્યો છે ડાઉન સિન્ડ્રોમને લડત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-desable-boy-7200931_22102020200601_2210f_1603377361_530.jpg)
મંત્રના યોગ શિક્ષિકા નમ્રતા વર્માએ કહ્યુ હતું કે, શરૂઆતમાં તેના શરીરમાં કંટ્રોલીંગ પાવર ન હતો. જેથી અમે ધીરજ રાખીને સૌથી પહેલા તેના શરીરમાં સ્થિરતા આવે તેવા આસનો શીખવાડ્યા અને ત્યારબાદ મગજની સ્થિરતા માટે કામ કર્યું. ફક્ત દોઢ વર્ષમાં જ તેના શરીરમાં મગજના સેલ એક્ટિવ થયા જેથી તેની કમ્યુનિકેશન સ્કિલ્સ વધી છે. આજે મંત્ર 20 થી 25 જેટલા આસનો સરળતાથી કરી લે છે. આવા સ્પેશિયલી એબલ્ડ બાળકોને સતત સંવેદના અને સહકારની જરૂર હોય છે. જો તેમને ધીરજથી યોગ્ય દિશામાં આગળ વધારો તો તેઓ 100% આગળ વધે જ છે.
![સુરતનો 7 વર્ષીય માનસિક દિવ્યાંગ મંત્ર યોગની શક્તિ વડે આપી રહ્યો છે ડાઉન સિન્ડ્રોમને લડત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-desable-boy-7200931_22102020200601_2210f_1603377361_250.jpg)
મંત્રના પિતા અંકિત પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં તેની હૃદયની સર્જરી કરાવી છે. મંત્ર તેના જન્મના ચોથા વર્ષે બેસતો થયો હતો અને પાંચમાં વર્ષે તેણે પહેલીવાર ચાલવાનું શરૂ કર્યું હતું. યોગાથી તેના સ્વાસ્થ્યમાં ઘણો સુધાર આવ્યો છે. આજે તેના દરેક કામ તે જાતે કરી શકે છે. તેના યોગા શિક્ષિકાની મહેનતને કારણે જ આજે તે અમને બધાને નામથી બોલાવીને વાત પણ કરે છે જે અમારા માટે એક ચમત્કાર જેવું છે. મંત્રની માતા ગાયત્રી પટેલે પણ જણાવ્યું હતું કે યોગના કારણે મંત્રની સ્થિતિમાં આવેલા પરિવર્તનને લીધે અમે સકારાત્મકતા અનુભવી રહ્યા છીએ અને તેનું મનોબળ મજબૂત કરવાનો અમે સતત પ્રયાસ કરતા રહીશું.
![સુરતનો 7 વર્ષીય માનસિક દિવ્યાંગ મંત્ર યોગની શક્તિ વડે આપી રહ્યો છે ડાઉન સિન્ડ્રોમને લડત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-desable-boy-7200931_22102020200601_2210f_1603377361_527.jpg)