- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ
- સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે 21 ફેબ્રુઆરીનાં રોજ મતદાન યોજાશે
- 6 ફેબ્રુઆરીનાં રોજ ફોર્મ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થશે, 9મી સુધીમાં પાછા ખેંચી શકાશે
સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી કોર્પોરેટર બનવાનું સ્વપ્ન જોઈ રહેલા મોટી સંખ્યામાં લોકોએ ફોર્મ વિતરણનાં પ્રથમ દિવસે જ જિલ્લા કલેક્ટર દ્વારા ઊભા કરવામાં આવેલા 30 સેન્ટરો ઉપરથી ફોર્મ મેળવવાની શરૂઆત કરી છે. સામાન્ય સંજોગોમાં ભાજપ તેમજ કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોનાં ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારી કરતા હોય છે, પરંતુ ભાજપનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરનાં તેમજ ત્રણ ટર્મથી કોર્પોરેટર હોય તેવા ઉમેદવારોને બાકાત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી યુવા કાર્યકરો હોશભેર ઉમેદવારીપત્રો લઈ આવ્યા હતા. જેને પગલે પ્રથમ દિવસે જ 455 જેટલા ફોર્મ ઉપડી ગયા હતા. વર્તમાન સમયમાં કોરોના વાયરસ સંક્રમણનાં ભય અને વહીવટી સરળતા માટે જિલ્લા કલેક્ટર દ્વારા પાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
કોરોનાને કારણે 30 સ્થળોએ ફોર્મ વિતરણ અને સ્વીકારવામાં આવશે
ચૂંટણી કામગીરી માટે બે વોર્ડ એક ચૂંટણી અધિકારી અને એક મદદનીશ અધિકારીની નિમણૂક કરવામાં આવી હોય છે. આ વખતે 30 સ્થળોએ ફોર્મ વિતરણ અને સ્વિકારવાની શરૂઆત કરવામાં આવી છે. વધુમાં જોવા જઈએ તો ઉમેદવારી કરવા ઈચ્છતા લોકો હાલ માત્ર ફોર્મ મેળવી રહ્યા છે. ત્યારબાદ પક્ષનાં આદેશ અને એફિડેવિટ સહિતની વિવિધ પ્રક્રિયા પૂર્ણ કરી 6 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 8 તારીખ સુધીમાં ફોર્મ ચકાસણી અને 9 તારીખે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે અને 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.