- સુરતમાં બાંધકામ સાઈટની દીવાલ ધસી પડી
- 8 શ્રમિકો દટાયાં, 4નાં મોત નિપજ્યાં
- 3 ઇજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયાં
સુરત: મોટા વરાછા વિસ્તારમાં સિલ્વાસા પેરેડાઈઝમાં ચાલી રહેલા બિલ્ડિંગના બાંધકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ પાર્કિંગની દીવાલ ધસી પડતા 8 શ્રમિકો જમીનમાં 20 ફૂટ અંદર દટાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના 10 ફાયર એન્જીનો દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 3 શ્રમિકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે 4 શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
4 કલાક બાદ આવેલા મેયરે કહ્યું, તપાસ કરીશું
ઘટના વિત્યાનાં 4 કલાક બાદ સુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાળા ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. આ ઘટનાના જવાબદારોને છોડવામાં આવશે નહીં. જોકે, ઘટના બાદ કલાકો સુધી કોઈ સત્તાધીશો ન આવતા સ્થાનિકોમાં એક તબક્કે રોષ જોવા મળ્યો હતો. જોકે, મેયરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા લોકોનો રોષ થાળે પડ્યો હતો.
આ પણ વાંચો: સુરત મનપા દ્વારા તૈયાર કરાયેલા EWS આવાસનો સ્લેબ ધરાશાયી, મહિલા ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઘટનાસ્થળેથી 2 શ્રમિકો જીવતા મળી આવતા તેમને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઉપરાંત જે 4 શ્રમિકોના મૃતદેહ મળ્યાં છે, તેને પણ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં કપડા ધોઇ રહેલી મહિલા પર દાદર ધરાશાયી, સારવાર દરમિયાન મોત
ગત વર્ષે કતારગામમાં જર્જરિત ઈમારત પડતા શ્રમિકનું મોત નિપજ્યું હતું
ગત 18 જાન્યુઆરી 2020ના રોજ કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર નીતા એસ્ટેટ નામની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જેમાં દબાઈ ગયેલા 3 શ્રમિકો પૈકી એકનું મોત નિપજ્યું હતું. અગાઉ બિલ્ડીંગના ભાડૂઆતો દ્વારા ઈમારત જર્જરિત હોવાની જાણ વકીલ મારફતે કરી ચૂક્યા હતા. તેમ છતાં પાલિકાએ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા દુર્ઘટના બની હતી.
આ પણ વાંચો: SMC વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આવી ઘટના અટકાવવા જરૂરી પગલા લેવા કર્યું સૂચન
- ગુજરાતમાં આ પ્રથમ ઘટના નથી કે જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોય. આવો નજર નાંખીએ ભૂતકાળમાં બનેલી કેટલીક એવી હોનારતો પર..
તારીખ | સ્થળ | ઘટના |
22-01-20 | અમદાવાદ | સ્લેબ ધસી પડતા 4 શ્રમિકોના મોત |
02-01-19 | અમદાવાદ | જર્જરિત ઈમારતનો એક ભાગ પડતા 3 શ્રમિકોના મોત |
15-05-18 | સુરત | શ્રમિકોનાં 3 બાળકોના મોત નિપજ્યાં હતા |
24-09-19 | અમદાવાદ | જર્જરિત બાલ્કની ધરાશાયી થતા 2ના મોત |
13-08-19 | અમદાવાદ | પાણીની ટાંકીનો સ્લેબ ધસી પડતા 3ના મોત |
06-09-19 | અમદાવાદ | અમરાઈવાડી વિસ્તારમાં સર્જાયેલી હોનારતમાં 4ના મોત, 9 ઈજાગ્રસ્ત |
29-07-19 | વડોદરા | સ્લેબ પડતા 1 વૃદ્ધનું મોત નિપજ્યું હતું |
03-01-19 | પાલનપુર | ચાલુ બાંધકામ દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં 4 શ્રમિકોના મોત |
16-08-19 | જામનગર | ઈમારત ધરાશાયી થતા 2ના મોત |
20-10-19 | વડોદરા | ડિમોલિશન દરમિયાન ઈમારત ધરાશાયી થતા 2ના મોત, 11 ઈજાગ્રસ્ત |