- વિદ્યાર્થીઓ અને ઉમરા પોલીસના સ્ટાફ વચ્ચે ઘર્ષણનો મામલો
- યુનિવર્સિટીમાં ગરબા રમી રહેલા વિદ્યાર્થીઓ સાથે થયું હતું ઘર્ષણ
- વિદ્યાર્થીઓના વિરોધના પગલે 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University)માં ગરબા રમી રહેલા વિદ્યાર્થી અને ઉમરા પોલીસના સ્ટાફ (Umra Police staff) વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા. આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ (Police Personnel Suspend) કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ વિરોધ પણ નોધાવી રહ્યા હતા, ત્યારે આખરે આ મામલે ઉમરા PI અને PSIની બદલી કરવામાં આવી છે. તેમજ 2 પોલીસક ર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
પોલીસે ગરબા બંધ કરાવતા થયું હતું ઘર્ષણ
ઉલ્લેખનીય છે કે સુરતમાં 3 દિવસ પહેલા વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ગરબા રમી રહ્યા હતા, ત્યારે ઉમરા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોચ્યો હતો અને ગરબા બંધ કરાવ્યા હતા જેથી ત્યાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા.
ABVP દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું
ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં આ મામલે ABVP દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહી સુરતમાં પણ છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ હતી કે આ ઘટનામાં જવાબદાર પોલીસકર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. આજે રાજ્યના ગૃહપ્રધાન સુરતમાં છે ત્યારે જ ઉમરા PI કે.આઈ.મોદી, PSIની બદલી કરવામાં આવી છે.
2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
મળતી માહિતી મુજબ PIની સ્પેશિયલ બ્રાંચમાં અને PSIની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે, જ્યારે 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે પણ વિદ્યાર્થીઓએ સુરતની વિવિધ કોલેજો બહાર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજોની બહાર તાળાબંધી કરી રસ્તા બ્લોક કરી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
કુલપતિ સુરત પોલીસ કમિશ્નરને મળ્યા હતા
આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ ગતરોજ સુરત પોલીસ કમિશ્નરને મળ્યા હતા અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અને મામલાનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે PI અને PSIની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે આ વિરોધ શાંત થશે કે કેમ તે જોવું રહ્યું.
આ પણ વાંચો: સુરતની Vnsguમાં વિદ્યાર્થીઓને મારવાનો મામલો,આજે ફરી પછી ABVPતથા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર દેખાવ
આ પણ વાંચો: સુરતમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના : એક ઇસમ બાળકીને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો