- સુરતમાં ઘરેણાં વેચવા માટે ફરી રહેલા 2 આરોપીઓને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા
- રાજસ્થાનના જાલોર જીલ્લામાં ચાંદીના દાગીનાની લૂંટ કરી
- કુલ 5.50 લાખના ચાંદીના ઘરેણાં અને 1.10 લાખની કિમતના સોનાના ઘરેણાં કબજે
સુરત: રાજસ્થાનના જાલોર જિલ્લામાં ચાંદીના દાગીનાની લૂંટ કરી સુરત આવેલા અને સુરતમાં ઘરેણાં વેચવા માટે ફરી રહેલા 2 આરોપીને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ 5.50 લાખના ચાંદીના ઘરેણાં અને 1.10 લાખની કિંમતના સોનાના ઘરેણાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે ખટોદરા પોલીસે બંનેને ઝડપ્યા
સુરતમાં ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના જાલોર જિલ્લામાં ચાંદીની લૂંટ કરનારા ઈસમો સુરતના ખટોદરા વિસ્તારમાં ફરી રહ્યા છે અને તેઓ જોગણીમાતાના મંદિર પાસે ઉભા છે. તેમજ દાગીના વહેંચવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રાજસ્થાનના જાલોર જિલ્લામાં રહેતા 20 વર્ષીય ટીકમારામ લસારામ માલી અને નિરવ તળજાભાઈ રબારીને ઝડપી પાડ્યા હતા.
સોનાના 28 ગ્રામ વજનના અલગ-અલગ દાગીના
પોલીસે તેઓની ધરપકડ કરી ટીકમારામ પાસેથી 8,629 ગ્રામ ચાંદીના ઘરેણા તેમજ નીરવ પાસેથી 2,516 ગ્રામ કિલો ચાંદીના તેમજ 28 ગ્રામ સોનાના ઘરેણાં કબજે કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં રાજસ્થાનના જાલોર જીલ્લાના સાયલા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને આરોપીઓનો કબજો સાયલા પોલીસને સોપવામાં આવ્યો હતો. વધુમાં પોલીસે ટીકમારામ અને નીરવની બેગ ચેક કરતા તેમાંથી ચાંદીના વીંછીયા, પાયલ, કડા, કંદોરા અને વીંટી, મંગળસૂત્ર, માંડળીયું, જુડા વગેરે મળી કુલ 11.145 કિલોગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂ. 5.50 લાખ અને સોનાના 28 ગ્રામ વજનના અલગ-અલગ દાગીના કિંમત રૂ. 1.10 લાખ મળી કુલ રૂ. 6.60 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
વધુ વાંચો: સુરત: POPની બનેલી ગણેશજીની 1000થી વધુ પ્રતિમાઓને નહેરમાંથી કાઢી દરિયામાં પુનઃવિસર્જન કરાયું
વધુ વાંચો: શિક્ષણપ્રધાન બન્યાં બાદ સુરત પહેલીવાર આવ્યાં જીતુ વાઘાણી, અનાજ કિટનું વિતરણ કર્યું