- 17.34 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ
- મજૂરોના અભાવે મેના પ્રથમ અઠવાડિયા સુધી ચાલી ફેકટરી
- કોરોના મહામારી વચ્ચે ખાંડનું વિક્રમ જનક ઉત્પાદન
સુરત: બારડોલી સહકારી ક્ષેત્રે એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેકટરીની વર્ષ 2020-21ની પીલાણ સિઝન પૂર્ણ થઈ હતી. સુગર ફેક્ટરીએ વર્ષ દરમિયાન 17 લાખ 34 હજાર 268 ટન શેરડીનું પીલાણ કર્યું હતું. ગયા વર્ષ કરતાં 2 લાખ ટન જેટલું વધુ પીલાણ કરી એક નવો વિક્રમ સ્થાપ્યો હતો. આ ઉપરાંત 18 લાખ 85 હજાર 260 કવિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું.
આ પણ વાંચો: ચલથાણ સુગર ફેક્ટરીએ 9.33 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરી 9.77 લાખ કવીન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું
સિઝન દરમિયાન રહી મજૂરોની અછત
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોમાં કોરોનાની અસરને કારણે આ વખતે પીલાણ સિઝન 15થી 20 દિવસ વધુ ચાલી હતી. ખાસ કરીને એપ્રિલના બીજા સપ્તાહ સુધી ચાલતી પીલાણ સિઝન મજૂરોની અછતને કારણે મેના પહેલા અઠવાડિયા સુધી ચાલુ રહી હતી.
આ પણ વાંચો: સુરતમાં બારડોલી સુગર ફેક્ટરીના સૂચિત ડિસ્ટીલરી પ્લાન્ટની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ
195 દિવસ ચાલી સુગર ફેકટરી
ઓછા મજૂરો અને કોરોના મહામારીનો વધતો પ્રકોપ છતાં બારડોલી સુગર ફેક્ટરીએ પીલાણ સિઝન પૂર્ણ કરી હતી. પ્રમુખ રમણલાલ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ પટેલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને અધિકારીઓના સહયોગથી આ શક્ય બન્યું હતું. ચાલુ વર્ષે સુગર ફેક્ટરી 195 દિવસ ચાલી હતી. જે દરમિયાન 47 હજાર એકરમાં રોપાયેલી 17 લાખ 34 હજાર 268 ટન શેરડીનું પીલાણ કરી કુલ 18 લાખ 85 હજાર 260 કવિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું.