- સગીરાને પેટમાં દુઃખાવો થતા સારવાર દરમ્યાન ગર્ભવતિ હોવાનું સામે આવ્યું
- 15 વર્ષીય સગીરાએ પૂછપરછમાં 4 બોયફ્રેન્ડ હોવાનું જણાવતા મૂંઝવણ વધી
- બાળકનાં પિતા કોણ છે? તે જાણવા પોલીસ ચારેય બોયફ્રેન્ડનાં DNA ટેસ્ટ કરશે
સુરત: કતારગામ વિસ્તારમાં રહેતી અને ધો. 10માં અભ્યાસ કરતી સગીરા ગર્ભવતિ થતા પોક્સો એક્ટ અંતર્ગત દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કિશોરીએ પહેલા જે પ્રેમીનું નામ આપ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. જો કે,એક પછી એક કિશોરીએ અન્ય 3 પ્રેમીના નામો જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધી સગીરાનાં ૩ પ્રેમીઓની ધરપકડ કરી લીધી છે અને ચોથા પ્રેમીની શોધખોળ શરૂ કરી છે.
પેટમાં દુઃખાવો થતા સારવાર માટે ગયા, ત્યાં ઘટસ્ફોટ થયો
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા ખાનગી સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરે છે. થોડા દિવસો અગાઉ તેણીને પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેણીને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે સગીરાનાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિશોરીની પૂછપરછ કરતા વિજય (નામ બદલ્યું છે) નામનાં યુવકે તેની પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી વિજય સાથે મિત્રતા થઇ હતી અને બાદમાં વિજય તેણીને મિત્રના ઘરે લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ કોઈને પણ જાણ ન કરી હતી. જોકે કિશોરી ગર્ભવતી થતાં ભાંડો ફૂટી ગયો હતો. આ ઘટનામાં પોલીસે થોડા દિવસો અગાઉ વિજયની ધરપકડ કરીને જેલના સળિયા પછાળ ધકેલી દીધો હતો.
પોલીસે પરિવાર સાથે રાખીને કાઉન્સેલિંગ કરતા વધુ 3 બોયફ્રેન્ડનાં નામ આપ્યા
આ ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે પરિવારને સાથે રાખી સગીરાની પૂછપરછ કરી હતી. જેમાં કિશોરીએ પહેલા વિજયનું નામ આપ્યું હતું, ત્યાર બાદ સગીરાએ પાર્થ (નામ બદલ્યુ છે) નામના યુવકનું નામ આપ્યું હતું. પાર્થે પણ લલચાવી-ફોસલાવીને તેણી પર દુષ્કર્મ આચર્યુ હોવાની કેફિયત સગીરાએ પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. જેથી પોલીસે પાર્થની પણ ધરપકડ કરી છે. એટલું જ નહી કિશોરીએ અન્ય બે પ્રેમીઓના નામ પણ પોલીસને આપ્યા હતા. સગીરાએ બે પ્રેમીએ દુષ્કર્મ આચર્યાનું જણાવ્યા બાદ વધુ બે યુવકોનાં નામ આપતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
તમામ આરોપીઓનાં DNA ટેસ્ટ કરાશે
સમગ્ર ઘટનામાં પોલીસે સગીરાનાં 4 બોયફ્રેન્ડ પૈકી 3ની ધરપકડ કરી લીધી છે અને અન્ય એકની શોધખોળ શરૂ કરી છે. પરંતુ સગીરાના ગર્ભમાં રહેલુ બાળક ખરેખર છે કોનું? તેના પર મૂંઝવણ ઉભી થઈ છે. સગીરાના ગર્ભમાં કોનું બાળક છે, એ જાણવા પોલીસે તમામ આરોપીઓના DNA ટેસ્ટ માટે સેમ્પલો લેવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. DNA ટેસ્ટ બાદ સગીરાના ગર્ભમાં રહેલું બાળક કોણું છે, એ સ્પષ્ટ થઈ જશે અને આ મામલે વધુ એક ઘટસ્ફોટ થવાની શક્યતા રહેલી છે.