- મહિલાઓએ પાણી પ્રશ્ને યોગ્ય પગલાં લેવાની માગ કરી
- 16 દિવસથી પાણી નહીં આવતા મહિલાઓ વિફરી
- મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયતે વારંવાર કરવામાં આવી હતી રજૂઆત
જેતપુર: પેઢલા ગામે છેલ્લા 16 દિવસથી પાણી ન આવતા મહિલાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ પાણીની સ્વચ્છતા અંગે પણ મહિલાઓએ પ્રશ્રો ઉઠાવ્યા હતા. મહિલાઓનું કહેવું છે કે, જે પાણી આવે છે તે ડહોળું આવી રહ્યું છે. જેને કારણે પાણી પીવાલાયક પાણી રહેતું નથી અને પીવાનું પાણી બહારથી લાવવું પડે છે. કેટલાક ઘરમાં તો ટીપું પાણી પણ નથી. મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયતે વારંવાર રજૂઆત કરાઈ હતી. છતાં 16 દિવસ જેટલો સમય વીતી જવા છતાં પણ આજદિન સુધી પાણીનો પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી.
મહિલાઓએ ઉગ્ર આંદોલનની આપી ચીમકી
પાણીના પ્રશ્નને લઈ મીડિયાએ ગામના સરપંચને પૂછતાં ગામના સરપંચે એવું કહ્યું કે, પાણી ટાઈમે જ આપવામાં આવે છે. જે પાણીની લાઇન તૂટી ગઈ હતી તેને રિપેરિંગ કરી પાણી વિતરણ થઈ રહ્યું છે. સ્થાનિકોનું માનીએ તો, પીવાના પાણીમાં માટી ભળી જતાં છેલ્લા ઘણા ટાઈમથી પાણીનો પ્રશ્ન સર્જાયો છે. ફરિયાદ કરતા થોડી ઘણી સમસ્યા ઉકેલાય છે પણ ફરી પરિસ્થિતિ પહેલા જેવી થઈ જાય છે. આ અંગે ગ્રામપંચાયતના હોદ્દેદારો વહેલી તકે નિવારણ લાવે અન્યથા મહિલાઓ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
આ પણ વાંચો: પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ
સ્થાનિકોએ અનેક વખત ફરિયાદો કરી
પાણીની સમસ્યા ફ્કત જેતપુરમાં ન રહેતા સુરતમાં પણ જોવા મળી હતી. સુરતમાં એક તરફ કોરોનાના કેસો વધતા લોકોને તકેદારી રાખવા તંત્ર અપીલ કરી રહ્યું છે તો બીજી તરફ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હરિધામ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ જણાવ્યું હતું કે, આ અંગે અનેક ફરિયાદો કરી છે. પરંતુ હજુ સુધી તેમની સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી.
આ પણ વાંચો: પાલનપુરની મહિલાઓએ પીવાના પાણી અંગે વિરોધ નોંધાવ્યો
ભૂગર્ભ ગટરલાઇનના ખોદકામ દરમિયાન પાણીની પાઈપલાઈનમાં થયું હતું ભંગાણ
તો બીજી તરફ, બનાસકાંઠાના પાલનપુરમાં ચાર સોસાયટીઓમાં 15 દિવસોથી પાણીની સમસ્યા હોવાથી મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખતી વખતે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું હતું. આથી 15 દિવસોથી પાણી ન આવતા આસપાસની 4 સોસાયટીના સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા હતા. ત્યારે તમામ સોસાયટીની મહિલાઓએ માટલા ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.