- નેશનલ ટીચર એવોર્ડ માટે રાજકોટના વનિતાબેન રાઠોડની પસંદગી
- વનિતાબેને અત્યાર સુધીમાં 125થી વધુ એવોર્ડ મળ્યા
- શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 201 નેશનલ ટીચર્સ એવોર્ડનું લિસ્ટ જાહેર
રાજકોટ: કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 201 નેશનલ ટીચર્સ એવોર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 44 શિક્ષકોનું નામ સામેલ છે. આ 44 શિક્ષકોમાં રાજકોટના નગર પ્રાથમિક શિક્ષણ શાળાના આચાર્ય એવા વનીતાબેન રાઠોડની પણ પસંદગી કરવામાં આવી છે. તેમને આગામી 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિડના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. જ્યારે રાજકોટના શિક્ષકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા શિક્ષણ જગતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે વનિતાબેન રાઠોડના સરકારી શાળા માટે કરવામાં આવેલા વિવિધ કામોને લઈને આ એવોર્ડ માટે તેમની પસંદગી કરાઇ છે.
44 સર્વશ્રેષ્ઠ શિક્ષકોમાં કરવામાં આવી પસંદગી
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે દેશના સર્વ શ્રેષ્ઠ શિક્ષકોને પસંદગી કરવામાં આવે છે. આ પસંદગી તેમની કામગીરીને આધારે કરવામાં આવતી હોય છે. જેને લઇને આ વર્ષે પણ 44 જેટલા સર્વશ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતના બે શિક્ષકોની પસંદગી થઈ છે. જેમાં એક રાજકોટના વનીતાબેન રાઠોડની પસંદગી કરવામાં આવી છે. જેમને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શાળાના વિકાસ માટેના કાર્યોને લઇને તેમની પસંદગી કરવામાં આવી છે.
સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી
વનિતાબેન રાઠોડની દેશના સર્વ શ્રેષ્ઠ શિક્ષકોમાં પસંદગી થતા તેમને ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જ્યારે આ શાળામાં જોડાઈ ત્યારે ઘણી બધી ભૌતિક સુવિધાઓનો અભાવ હતો. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા પણ 300 હતી. જેની સામે અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 800 જેવી થઇ છે. જ્યારે દાતાઓ દ્વારા પણ ઘણું દાન આપવામાં આવ્યું છે. જેના કારણે જ શાળામાં અમે ડેવલોપમેન્ટ પણ કરાવ્યું છે. તેમજ આ શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં પણ પહોંચીને ઈનામ લઈ આવ્યા છે. આ પ્રકારની વિવિધ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની કામગીરીને કારણે તેમની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને બે એવોર્ડ એનાયત
4 નેશનલ અને 15થી વધુ રાજ્યકક્ષા એવોર્ડ મળ્યા
વનિતાબેન છેલ્લા નવ વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા છે, ત્યારે તેમને અત્યાર સુધીમાં 4 જેટલા નેશનલ એવોર્ડ મળ્યા છે. તેમજ રાજ્ય કક્ષાનાં 15થી વધુ એવોર્ડ મળ્યા છે. આ સિવાય તેમને 110થી વધુ સ્થાનિક સંસ્થાઓ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા છે. જ્યારે નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ દ્વારા 7 વખત તેમને શ્રેષ્ઠ આચાર્યોનો પણ એવોર્ડ મળ્યો છે. જ્યારે આગામી 5 સપ્ટેમ્બરે શિક્ષકદિનના દિવસે તેમને રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ ટીચર્સનો એવોર્ડ એનાયત કરવામાં આવશે.