- લોકોમાં રસી પ્રત્યેનો ભય દુર કરવા સરપંચના પતિએ સૌ પ્રથમ મુકાવી રસી
- કોરોનાની નાબૂદી માટે રસી મુકાવવી જરૂરી
- સરપંચ પરિવારે લોકોને રસી લેવા કરી અપીલ
રાજકોટ: જિલ્લાના ત્રંબા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના નાકરાવાડી ગામમાં લોકોમાં રસીકરણ પ્રત્યેનો ભય દુર થાય એ માટે ગામના સરપંચના પતિ મનસુખ રાતોજાએ સૌ પ્રથમ રસીકરણ માટે આગળ આવી ગામલોકોને રસીકરણ કરવા માટે પ્રેરણા આપી હતી. સૌ પ્રથમ તેઓએ પોતે રસી મુકાવી હતી.
સરપંચે પરિવાર સાથે રસીકરણ કરાવ્યું
નાકરાવાડી ગામના મહિલા સરપંચના પતિ મનસુખભાઇએ જણાવ્યું હતું કે, કોરોનાની નાબૂદી માટે રસી મુકાવવી જરૂરી છે અને ગામમાં પાત્રતા ધરાવતા તમામ લોકો રસી મુકાવે તે માટે પ્રથમ તેમણે પોતે રસી મુકાવી છે.
ત્રંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ગામમાં ચાલી રહ્યું છે રસીકરણ
ત્રંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. સરોજબેન જેતપરીયાએ જણાવ્યું હતું કે, ત્રંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ગામમાં વ્યાપક રસીકરણ થાય તે માટે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને સંલગ્ન વિભાગના અધિકારીઓ દ્વારા પણ આ કામગીરીમાં સહકાર મળી રહ્યો છે.