- આઠ વર્ષમાં 700થી વધુ લોકોને આપ્યું છે નવજીવન
- BBA મેનેજમેન્ટનો અભ્યાસ કરી કરે છે સમાજસેવા
- 10-10 લોકોની ટીમ સાથે કરે છે ભટકતા લોકોની સેવા
રાજકોટઃ તાજેતરમાં જ રાજકોટ શહેરના કિસાનપરા ચોકમાં છેલ્લાં દસ વર્ષથી બંધ ત્રણ ભાઈ-બહેન એક મકાનમાંથી મળી આવ્યા હતા. જેને સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ સહિતના સભ્યોએ ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હાલ આ ત્રણેય ભાઈ બહેન જાહેર જીવનમાં આવ્યા છે અને સામાન્ય લોકોની જેમ જ પોતાનું જીવન જીવી રહ્યા છે પરંતુ આ ત્રણેય ભાઈ બહેનને સામાન્ય લોકોની જેમ જીવતા કરનાર સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલે અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના આ પ્રકારે જીવ બચાવ્યા છે. શરૂઆતમાં એકલા હાથે જ લોકોની સેવા કરનાર જલ્પા પટેલે અત્યારે ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ સહિતના જેવા મોટા શહેરોમાં પણ હવે પોતાની સામાજિક સેવા શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મહિલા દિવસ નિમિત્તે સેલિબ્રેશન
છેલ્લા 8 વર્ષથી કરી રહ્યા છે રસ્તા પર ભટકતા લોકોની સેવા
જલ્પા પટેલે Etv ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી તેમને સાથી સેવા ગ્રુપ શરૂ કર્યું છે. આ અગાઉ તેઓ એકલા હાથે દરરોજ શનિ રવિવારે જે લોકો રસ્તા પર ભટકતું જીવન જીવતા હોય તેમને પોતાના હાથે બનાવેલી રસોઈ જમાડતા હતા. પરંતુ જેમ-જેમ આ સેવાની લોકોને ખબર પડી ત્યારે ધીમે ધીમે લોકો આ કાર્યમાં જોડાઇ ગયા અને છેલ્લા એક વર્ષથી સાથી સેવા ગ્રુપનું નિર્માણ કર્યું. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં 700થી વધુ લોકોને નવજીવન આ રીતે જલ્પા પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. હાલ પણ રાજકોટ, અમદાવાદ બરોડા, સુરત જેવા મોટા શહેરોમાં 10-10 લોકોની ટીમ બનાવીને તેઓ ફિલ્ડમાં રખડતા ભટકતા લોકોની સેવા કરે છે.
આ પણ વાંચો : રાઈડ વિથ શી ટીમ: મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી
મુખ્યત્વે રસ્તા પર રખડતા ભટકતા લોકોની કરાય છે સેવા
સાથી સેવા ગ્રુપ દ્વારા મુખ્યત્વે રસ્તા પર રખડતા ભટકતા અને અઘોરી જીવન જીવતા લોકોની સેવા કરવામાં આવે છે. તેમને વ્યવસ્થિત રીતે નવડાવીને, સારા કપડાં પહેરવામાં આવે છે. ત્યારબાદ તેમની મેડિકલ સારવાર પણ કરવામાં આવે છે. આ સાથે જ તેમને જમવાની વ્યવસ્થા સાથે સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 700થી વધુ લોકોના જીવનને આવી રીતે જલ્પા પટેલ દ્વારા સુધારવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધી માત્ર રાજકોટમાં જ આ સેવા શરૂ હતી પરંતુ હાલ અમદાવાદ બરોડા સુરત જેવા મોટા શહેરોમાં પણ હવેથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.