દર્દીઓના મૃતદેહ પરથી સોના-ચાંદીના દાગીનાની ચોરી
પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી
અંદાજીત 32 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો
રાજકોટઃ જિલ્લા સહિત સમગ્ર દેશમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનારા દર્દીઓના મૃતદેહ પરથી સોના-ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓ સહિત રોકડ રૂપિયાની ચોરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા છે. આ મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસે આ શખ્સોની ધરપકડ કરી છે. જેઓ પાસેથી અંદાજીત 32 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
આ પણ વાંચોઃ પૈસા છે તો થઇ જશે વ્યવસ્થા! રાજકોટમાં દર્દીઓને રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ
મૃતદેહમાંથી કિંમતી વસ્તુઓની કરતા હતા ચોરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ કરાયેલા સમરસ કોવિડ સેન્ટરમાં મૃતદેહમાંથી ચોરી થયાની ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. ત્યારે કોવિડ સેન્ટરમાં આઉટ સોર્સથી એટેન્ડન્ટ તરીકે કામ કરતા રાજસ્થાનના વિક્રમ બંસીલાલ તેજી, માનારામ ઉદારામ ગારૂ અને મહેન્દ્રભારથી ભગવાનભારથી ગૌસ્વામી નામના શખ્સો કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના મૃતદેહ પાસે પડેલી રોકડ, મોબાઇલ, ઘરેણાં સહિતની ચીજવસ્તુઓ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી યુનિવર્સિટી પોલીસે આ મામલે ત્રણેય ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.