- રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી થયું નુકસાન
- સર્વેલન્સ ટીમો દ્વારા 27 સપ્ટેમ્બર સુધીમાં સર્વે પૂર્ણ કરાશે
- સર્વેની કામગીરીમાં તમામ તાલુકા વિકાસ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા
રાજકોટઃ શહેર અને જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા જમીન અને પાકની નુકસાનીનો સર્વે કરવા માટે શનિવારે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા સર્વેલન્સ ટીમ બનાવીને સર્વેની કામગીરી કરવાની શરૂ કરવામાં આવી છે. કુદરતી આપત્તિના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં થયેલા જમીન ધોવાણના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ નિયત નમૂનામાં કરેલા અરજી, જરૂરી દસ્તાવેજ, નુકસાન થયેલા ખેતરનો અરજદાર સાથેનો ફોટો વગેરે સાથેની અરજી નોડલ અધિકારીને કરવાની હોય છે. સર્વેની કામગીરીમાં તમામ તાલુકા વિકાસ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: SMC 1700 લોકોને ચેક કરી જાણશે કે શહેરીજનોમાં Antibody કેટલા પ્રમાણમાં ડેવલપ થઈ છે ?
27 સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે
સર્વેની આ કામગીરી અન્વયે લોધીકા, ધોરાજી, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, જામકંડોરણા, રાજકોટ અને ઉપલેટા તાલુકાના 154 ગામો ખાતે સર્વે કરવામાં આવશે. આ તમામ ગામોની સર્વેની કામગીરી 27 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરીને સંબંધિત નોડલ અધિકારીને સુપ્રત કરવાના આદેશો જારી કરાયા છે. ખેતીના પાકને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા માટેની ટીમના નોડલ અધિકારી તરીકે જિલ્લા પંચાયતની ખેતી અધિકારી એસ.પી.ગોહિલની નિમણૂક કરવામાં આવ્યા છે. પાક ધોવાણનો સર્વે કરવા માટે તલાટી મંત્રી અને ગ્રામસેવકને સર્વે ટીમના સભ્ય બનાવવામાં આવ્યા છે તથા વિસ્તરણ અધિકારીને સુપરવાઈઝરની નિમણૂક અપાઈ છે.
આ પણ વાંચો: AMC નો સીરો સર્વે: પોઝિટિવિટી વધી તો એન્ટી બોડી લુપ્ત થતા ફરી કોરોના સંક્રમણ થવાનો ભય
154 ગામોમાં કરવામાં આવશે સર્વે
જિલ્લાના લોધીકા, ધોરાજી, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, કંડોરણા, રાજકોટ અને ઉપલેટા તાલુકાના 154 ગામોમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે. જેને લઈને વિસ્તારના ખેડૂતોને પણ આશા બંધાઈ છે કે, સરકાર દ્વારા નુકસાનીના સર્વે બાદ સહાય જાહેર કરવામાં આવશે.