રાજકોટઃ રાજકોટમાં એક મહિલા નર્સિંગ સ્ટાફ સહિત 5 લોકો રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા હોવાનું સામે આવ્યું છે. કોરોનાના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતા અથવા જો દર્દીની હાલત વધુ ક્રિટિકલ હોય તો રેમડેસિવિર નામનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જેની અંદાજીત બજારમાં રૂપિયા 5 હજાર જેટલી કિંમત થાય છે.
હાલ માર્કેટમાં આ પ્રકારના ઇન્જેક્શન બહુ ઓછા મળતા હોવાના કારણે મેડિકલ સ્ટાફના માણસો દ્વારા આ ઇન્જેક્શનની કાળા બજારી કરીને બમણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે છટકું ગોઠવીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ મામલે રાજકોટના પૂર્વ કલેક્ટર અને હાલ રાજકોટના નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સાંભળતા ડૉ. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી સામે આવી છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જો આ કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી અથવા કોઈ પણ મેડિકલ ઓફિસર હશે તો તેની સામે પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ મામલે અગાઉ 5 ઇસમોની ધરપકડ કર્યા બાદ વધુ બે ઇસમોની ધરપકડ કરી છે. આ ઈસમો દ્વારા ઇન્જેક્શનના વેંંચાણ દરમિયાન અન્ય હૉસ્પિટલના નામના ખોટા બિલ બનાવવામાં આવતા હતા અને ઇન્જેક્શન અન્યને વેચવામાં આવતા હતા. જેમાં ક્રાઇમબ્રાન્ચે ઝાયડ્સ કેડીલા કંપનીના સૌરાષ્ટ્રના એમ.આર. રજનીકાંત પરસોત્તમભાઈ ફળદુ અને સચિવ હરેશકુમાર પટેલ જે થિયોસ ફાર્માસ્યુટિકલ્સનો સંચાલક છે તેની ધરપકડ કરી છે.
આ બન્ને ઈસમોએ વેદાંત હૉસ્પિટલના નામે 110 અને શુભમ હોસ્પિટલના નામે 96 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનના ખોટા બિલ બનાવીને વેંચાણ કર્યાનું સામે આવ્યું છે. જ્યારે આ ઈસમોએ 15-08-2020થી અત્યાર સુધીમાં આવા 2332 ઇન્જેક્શનું વેચાણ કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.