રાજકોટઃ જસદણના વેપારી વિષ્ણુ સવશીભાઈ કુકડિયાએ ઘનશ્યામ પટેલ તથા પ્રદીપ સોની સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ જસદણ જળશકિત સર્કલ પાસે આટકોટ બાયપાસ રોડ પર રૂદ્રાક્ષ કોમ્પલેક્સમાં વિશાલ ટ્રેડિંગ નામની પેઢી ચાલુ કરી હતી. આરોપીઓએ ફરિયાદી તથા જસદણના અન્ય 6થી 7 વેપારીઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ઈલેક્ટ્રિક, ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુ, લોખંડ-સિમેન્ટ તેમજ રેડિમેટની ચીજ વસ્તુઓ મળીને કુલ રૂ. 15.63 લાખનો માલસામાન ખરીદ્યો હતો, પરંતુ રૂપિયાની ચૂકવણી કરી નહતી. આરોપી ઘનશ્યામ પટેલે જસદણ સ્થિત કોર્પોરેશન બેન્ક ખાતાના ચેકોમાં સોની પીસી સહી કરી જુદી જુદી રકમના ચેકો ફરિયાદી અને અન્ય વેપારીઓને આપ્યા હતા. આ તમામ ચેક બાઉન્સ થતા ફરિયાદી તથા વેપારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જસદણ પોલીસે આ ફરિયાદ અનુસાર બન્ને શખ્સો તથા તેની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જસદણના જેન્તીભાઈ નામના વેપારી પાસેથી આ ટોળકીએ રૂ. 7.67 લાખનો માલ ખરીદ્યો હતો. આરોપી ઘનશ્યામ પટેલ જસદણના વેપારીઓને ફોન કરી વિશ્વાસમાં લઈ ખરીદી કરતો હતો. આરોપીની પેઢીની ઓફિસે અશોક નામનો શખ્સ બેસતો હતો અને તે રાજકોટના ઘનશ્યામ પટેલ તથા પ્રદીપ સોની આ પેઢીના માલિક હોવાનું જણાવતો હતો. જસદણ પોલીસે આ ટોળકીની શોધખોળ હાથ ધરી છે.