- છેતરપિંડીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ તેમનું નિવેદન નોંધવા ગઇ હતી
- સોની પરિવારે ક્રાઇમ બ્રાન્ચના PSI અને કોન્સ્ટેબલને રૂમમાં પુર્યાં
- પોલીસે મહિલાઓ સહિત 10 શખ્સોની અટકાયત કરી
રાજકોટ: પ્રહલાદ પ્લોટની પોલીસ અને સોની પરિવાર વચ્ચેની એક ઘટના સામે આવી છે. જેમાં, આ વિસ્તારમાં રહેતા ધર્મેશ બારભાયાનું છેતરપિંડીના કેસમાં નિવેદન લેવા માટે ગયેલી પોલીસ સાથે ઘર્ષણ થતાં જ પોલિસના ધાડેધાડા ઉતારી આવ્યા હતા. છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી ધર્મેશ બારભાયાનું નિવેદન લેવા તેમના વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. પરંતુ, સોની પરિવાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના PSI અને કોન્સ્ટેબલને રૂમમાં પુરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ, અન્ય ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પહોંચીને PSI અને કોન્સ્ટેબલને મુક્ત કરાવ્યા હતા.
આ પણ વાંચો: 10 ટકા માસિક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ત્રણ આરોપીની ધડપકડ
ઘટનામાં પોલીસે 10થી વધુ લોકોની ધડપકડ કરી
રાજકોટ DCP ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ચિટિંગની ફરિયાદ હોવાથી અરજીમાં પોલીસ નિવેદન લેવા પહોંચી હતી. પરંતુ, PSI અને રાઇટરને મકાનમાં પુરી દેવામાં આવ્યા હતા. પોલીસને બંધક બનાવ્યાની જાણ થતાં A ડિવિઝન સ્ટાફે ક્રાઇમ બ્રાન્ચ PSIને છોડાવ્યા હતા. આ ઘટનામાં પોલીસે 10થી વધુ લોકોની ધડપકડ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં કોલસેન્ટર દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી, લોન અપાવવાની લાલચ આપી હજાર ડોલર પડાવ્યા
પોલીસ અને સોની પરિવાર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો
સમગ્ર ઘટનામાં પોલીસે મહિલાઓ સહિત 10 શખ્સોની અટકાયત કરી હતી. અટકાયત કરતી વખતે પોલીસ અને સોની પરિવાર વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે, હાલ કોઈપણ જાતની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય નથી. પરંતુ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.