- 24મીવાર ઓવરફ્લો થયો ભાદર-1 ડેમ
- 1964માં બનેલો ડેમ આજેપણ છે અડીખમ
- ડેમના પાણીનો જથ્થો સંગ્રહ કરવાની કેપીસીટી 6648 MCFT છે
રાજકોટ: જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર-1 ડેમના નિર્માણનું કાર્ય 1952 માં શરૂ થયું હતું અને 1964માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જૂનાગઢ અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે.
સારો વરસાદ પડતા અનેક ગામોનું જળસંકટ દૂર થયું
સારો વરસાદ પડતા જેતપુર ઉપરાંત રાજકોટ, વીરપુર, સહિતના અનેક ગામો પર ઘેરાતું જળસંકટ દૂર થયું છે. હાલ સારો વરસાદ થયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર-1 ડેમમાં પાણી છલોછલ ભરાતા સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ભાદરડેમની ઉંડાઇનુ લેવલ ચોત્રીસ ફૂટ છે. ભાદર ડેમની પાણીનો જથ્થો સંગ્રહ કરવાની કેપીસીટી 6648 એમ.સી.એફ.ટીની છે. ત્યારે હાલ ડેમ 100 ટકા ભરાતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.
ગયા વર્ષે ભાદર ડેમમાંથી સિંચાઇ માટે પાણી અપાયું
ગત વર્ષે ભાદર-1 ડેમમાંથી ખેતીને સિંચાઇ માટે પાણી આપવામાં આવ્યું હતું. જેમા 6 રવિ પાક, 2 ઉનાળુ પાક અને 2 કોરવાણ માટે આપ્યા હતા. દરરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 10 એમ.જી.ડી. ( મિલિયન ગેલન પર ડે), ( રાજકોટ) રૂડા 1 એમ.જી.ડી, અને જેતપુર શહેર 3.40 એમ.જી.ડી. આ ઉપરાંત ખોડલધામ જૂથ યોજના અને અમરનગર જૂથ યોજના અંતર્ગત 0.93 એમ.જી.ડી પાણી ભાદર ડેમમાંથી દરરોજ ઉપાડે છે.
આ પણ વાંચો- ઉપરવાસમાં વરસાદને કારણે કડાણા ડેમની જળસપાટીમાં વધારો, વૉર્નિંગ સ્ટેજ જાહેર કરાયું
આ પણ વાંચો- મહીસાગરમાં મેઘતાંડવ: કડાણા ડેમ 90 ટકા ભરાતા જાહેર કરાયું હાઈ એલર્ટ