- દિવાળી બાદ શાળા-કૉલેજ શરૂ
- સ્કૂલ-કૉલેજને લઇને વાલીઓએ આપી પ્રતિક્રિયા
- વાલીઓને વિદ્યાર્થીઓની ચિંતા
રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં 30 નવેમ્બરથી એટલે કે દિવાળી બાદ ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્ર સરકારની એસ.ઓ.પી ગાઇડલાઈનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરી દેવામાં આવશે. આ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને લઇને કેટલાક વાલીઓમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે ઈટીવી ભારત દ્વારા રાજકોટના કેટલાક વાલીઓની આ મુદ્દે પ્રતિક્રિયા લેવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના આરોગ્યની જવાબદારી કોની?
રાજકોટમાં રહેતા અશ્વિન વિંઝુડાએ શાળા-કોલેજ શરૂ કરવાના નિર્ણયને લઈને જણાવ્યું હતું કે, હજુ પણ રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શાળા- કૉલેજમાં અમારા બાળકો જાય તો તેમના આરોગ્યની જવાબદારી કોણ લેશે?. આ સાથે જ ઇમરાન ડેલા નામના વાલીએ પણ આ જ પ્રકારનો સવાલ કર્યો હતો કે, બાળકો શાળાએ જશે તો તેમને કોરોના થશે અથવા કોરોના વધુ ફેલાશે તો આ બાળકોની જવાબદારી કોણ લેશે?. શાળાઓમાં વિવિધ સ્થળોથી બાળકો ભણવા માટે આવતા હોય છે એટલે આવા સમયે કોરોના ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે.
વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ
ઈટીવી ભારત સાથે વાત કરતા પ્રફુલ્લભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે તો શાળા-કૉલેજો ખૂલવી જોઈએ જ નહીં. રાજકોટની કેટલીક શાળાઓમાં નાના-નાના કલાસ રૂમ છે. આ પ્રકારના કલાસ રૂમમાં પહેલા તો 30થી 40 જેટલા વિદ્યાર્થીને સોશિયલ ડિસ્ટન્સ સાથે કેવી રીતે બેસાડવામાં આવે. જેથી ચાલુ વર્ષે શાળાઓ ખોલવી જોઈએ જ નહીં. શાળા ખોલવાને બદલે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે પાસ કરી દેવા જોઈએ. કોરોનાની મહામારીમાં શાળા કૉલેજોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકે એવું લાગતું નથી. જેને લઈને સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય ન લેવો જોઈએ.
શાળાઓ દ્વારા ફીમાં હજુ સુધી રાહત પણ આપવામાં આવી નથી
લોકડાઉન સમયે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓને પ્રથમ સત્ર દરમિયાન ફીમાં 25 ટકા રાહત વાલીઓને આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે દરમિયાન કેટલીક ખાનગી શાળાઓ દ્વારા આ નિયમનો અમલ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજકોટમાં હજુ પણ અમૂક શાળાઓ દ્વારા સરકારના ફીમાં રાહત અંગેના નિર્ણયનો અમલ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત વાલીઓને વારંવાર ફી મુદ્દે હેરાન પણ કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.