- રાજકોટમાં કોરોના વેકસિન માટે તૈયારીઓ શરુ
- મનપા દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો
- 50 વર્ષથી વધુ વયના લોકોની યાદી બનાવાશે
રાજકોટઃ વૈશ્વિક મહામારી કોરોના માટે આગામી દિવસોમાં વેક્સિન આવશે. ત્યારે શહેરમાંં કોરોનાની વેક્સિનને લઈને મનપા દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વેક્સિન માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ગુરુવારથી સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 50 વર્ષથી મોટી ઉંમરના તેમજ 18 થી 50 વર્ષની વચ્ચેના ગંભીર બીમારીઓ ધરાવતા લોકોનો ડેટા એકત્ર કરવા આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં કોરોનાની વેક્સિન આવશે ત્યારે રાજકોટવાસીઓને વેક્સિન કેવી રીતે આપવામાં આવશે તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના કુલ 958 જેટલા ઇલેક્શન બૂથ પરથી માઈક્રો પ્લાનિંગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ 50 વર્ષથી વધુના ઉંમરના લોકોની યાદી બનાવવામાં આવશે. ત્યારબાદ 18 થી 50 વર્ષના લોકો જે ગંભીર બીમારીઓ ધરાવે છે. તેવા લોકોનો સર્વે કરી નામની યાદી બનાવવામાં આવશે. ત્યારબાદ આ યાદી સરકારને મોકલવામાં આવશે.
શહેરમાં ચાર દિવસ સુધી ચાલશે સર્વેની કામગીરી
હાલ મહાનગર પાલિકામાં કુલ 18 જેટલા વોર્ડ આવે છે, ત્યારે આ તમામ વોર્ડમાં સર્વેની કામગીરી આગામી ત્રણ-ચાર દિવસ સુધી કરવામાં આવશે. જેમાં એક અંદાજ મુજબ 50 વર્ષથી વધુ વયના ત્રણ લાખથી વધુ લોકો છે. જ્યારે 18 થી 50 વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા દોઢ લાખથી વધુ લોકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોનું સર્વે કરીને આરોગ્ય વિભાગ દ્વારા યાદી બનાવવામાં આવશે. જ્યારે મનપાની આ કામગીરીમાં લોકો પણ સહકાર આપી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.