રાજકોટ: રાજકોટ શહેરમાં માસ્ક પહેરવાનો ફરજિયાત નિયમ બહાર પાડવામાં આવ્યો હોવા છતાં પણ અમુક શહેરીજનો માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા હતા. આ સંજોગોમાં કોરોના સંક્રમણ વધવાનો ભય ઉભો થતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ વોર્ડમાં ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
જેમાં શહેરના તમામ 18 વોર્ડમાં અધિકારી અને કર્મચારીઓની ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમિયાન છેલ્લા બે દિવસમાં કુલ 856 લોકો પાસેથી રૂપિયા 1,71,200/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. બુધવારે ડો. યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે માસ્ક પહેર્યા વગર ફરી રહેલા લોકો પાસેથી દંડ વસૂલી પોતે જ દંડની પહોંચ લખી હતી.
લોકોનું નાક અને મોં સરખું ઢંકાય તેવી રીતે માસ્ક નહી પહેરનારા લોકો અન્ય લોકોમાં ચેપ ફેલાવી શકે તેવી દહેશત રહે છે, તેમ જણાવી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આવા નાગરિકો પાસેથી પેનલ્ટી વસૂલ કરવા સમયાંતરે ઝૂંબેશ ચલાવવા આદેશ આપ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાનો આશય લોકોને દંડિત કરવાનો નહી પણ લોકોમાં કોરોના વિશેની જાગૃતતા ફેલાવવાનો છે. માસ્ક નહી પહેરનાર લોકો પોતાના અને સામેવાળા લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની રહે છે. સૌ જાહેર સ્વાસ્થ્યના હિતમાં માસ્ક પહેરે, વખતો વખત હાથ ધોવે, સોશીયલ ડિસ્ટન્સ જાળવે તેમજ વખતો વખત તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનો ચુસ્તપણે અમલ કરે તે જરૂરી છે.