રાજકોટઃ જિલ્લામાં અવારનવાર ક્રાઈમના કેસ સામે આવતા હોય છે. જે કોરોના મહામારી અંતર્ગત જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન થોડો કાપ જોવા મળ્યો હતો. પરંતુ લોકડાઉન હટવાની સાથે જ ફરી વખત ગુનાખોરીનો દોર ચાલુ થયો હોય એવું લાગે છે. ત્યારે ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહિબીશન અને જુગાર નાબૂદ કરવાની સૂચના આપી હતી. તેમજ તેમના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, શક્તિસિંહ જાડેજા, નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઈ સુવા, મયુરસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર અને કૌશિકભાઈ જોશી નાઈટ પેટ્રોલિંગમાં હતા.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયાને મળેલી બાતમીના આધારે જેતપુર ભાદર નદીના કાંઠેથી બુટલેગર ખીમજી મોહનભાઈ સોલંકી અને રાહુલ નારણભાઈ ઝાલા દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. જેમાં દેશી દારૂ બનાવવાનો 5,000 રૂપિયાનો 25 લિટર ઠંડો આથો, 2500 રૂપિયાના ગોળના 25 ડબ્બા, 2500 ઇસ્ટ પેટીના 3 નંગ, 1500 રૂપિયાના ભઠ્ઠીના સાધનો જેમાં રૂપિયા 10,000ના ગેસના બાટલા 5 નંગ તથા પ્લાસ્ટિક અને લોખંડના બેરલ, બર્નલ, તગારા, ડોલ જેવા સાધનો સહિત કુલ 20 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ રાહુલ નારણભાઈ ઝાલા નામના શખ્સની ધરપકડ કરી છે.