રાજકોટ: સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબૂત બને અને મનમાં હતાશા ન છવાય તેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓ માટે સંગીત થેરાપીનો અમલ કરવામાં આવી રહ્યો છે. સંગીત માનસિક હળવાસ મેળવવા માટે દવાનું કામ કરે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવસમાં 3 વખત મ્યુઝિક સંભળાવવામાં આવે છે. આ મ્યુઝિક ઈન મેડીસીનમાં ડિગ્રી પ્રાપ્ત ગુજરાતના જાણિતા ડૉક્ટર પાર્થ ઓઝા દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. તેમાં સમય અને રાગ-રાગીણીની અસરથી તૈયાર કરાયેલુ મ્યુઝિક વગાડવામાં આવે છે. જેનાથી દર્દીમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો, માનસિક શાંતિ, હકારાત્મક ઉર્જાનો સંચાર સાથે મીઠી ઉંધ આવે છે. જે કોઈપણ રોગની સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે.
સવારે સિતારનું મ્યુઝિક સાંભળવાથી નવી ઉર્જાનો સંચાર થાય છે, સાંજના સમયે બેથી ત્રણ ઈન્સ્ટુમેન્ટનું સંયુક્ત મ્યુઝિક સાંભળવાથી ઉદ્વેગ કે ચિંતા દૂર થાય છે અને રાત્રે વાંસળીનું સંગીત સાંભળવાથી મન શાંત થાય છે તેમજ દર્દીઓને ઉંધ સારી આવે છે. PDU મેડીસીન ડિપર્ટમેન્ટમાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. આરતી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, થેરાપીનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
રેડીયોલોજીસ્ટ ડૉ. ચેતના ડોડીયા જણાવે છે કે, મ્યુઝિક નાના મોટા સૌને ગમે છે. અહીં જે દર્દીઓ છે, તે સગાવહાલાથી દૂર છે, સ્ટ્રેસ અનુભવે છે. મ્યુઝિકથી તેમનો સ્ટ્રેસ દુર થાય છે. તે અમે જોઈ શકીએ છીએ, મ્યુઝિકથી તેમનું હિલીંગ થાય છે. જેથી કોરોના સામે લડવામાં ઘણી મદદ મળે છે. દર્દી ભાવેશ ચાવડા જણાવે છે કે, અહીં સવાર બપોર અને સાંજે મ્યુઝિક થેરાપી આપવામાં આવે છે. જેને સાંભળીને ખુબ આનંદ થાય છે. જ્યારે અન્ય દર્દી ઉમેશભાઈ જણાવે છે કે, મ્યુઝિક થેરાપી 3 ટાઈમ મળે, જેની અમને મજા આવે છે.
આ બાબતે ડૉ. પાર્થ ઓઝા જણાવે છે કે, મ્યુઝિક થેરાપી વડે કેવી રીતે કોરાના સંક્રમિત દર્દીઓ માટે હકારાત્મકતા ભર્યો માહોલ, શાંત, વાતાવરણ, તણાવમુક્ત વાતાવરણ સારૂં બનાવવાનો પ્રયાસ છે. આમાં 3 રાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આહિર ભૈરવ, ભીમ પલાસી અને ભોપાલી રાગનો સમાવેશ કરાયો છે. કોરોનાના દર્દીને અપાતી મુખ્ય સારવારની ઉપરાંત મ્યુઝિક થેરાપી તેમના આરોગ્યના સુધારામાં મહત્વનો ભાગ ભજવે છે. આમ જોઈએ તો સંગીત હવે માત્ર મનોરંજન માટેનો પ્રકાર નથી રહ્યો. વિશ્વભરમાં સંગીતને ઔષધિ તરીકે અપનાવી લેવામાં આવ્યું છે.
મ્યુઝિક સાંભળવાના આરોગ્યજનક ફાયદા
ઇમ્યુનીટી વધારે છે
સંશોધનથી પુરવાર થયું છે કે, મનને શાંત કરે તેવું સંગીત ગાવાથી, વગાડવાથી, સાંભળવાથી શરીરમાં હકારાત્મક સંવેદનો જાગે છે. શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે. જેની સારી અસર રોગપ્રતિકારક ક્ષમતા પર થાય છે. આથી જ વારંવાર શરદી થઇ જવી, તાવ આવવો તથા ઓટોઈમ્યુન ડિસિઝથી પીડાતા વ્યક્તિઓ સંગીતને તેમના દૈનિક જીવનમાં સ્થાન આપે તો બીમારી અને બીમારીની ગંભીરતા ઘટે.
દુખાવામાં રાહત થાય છે
હાડકાનાં ઘસારાને કારણે સાંધાનો દુઃખાવો રહેતો હોય, વારંવાર માઇગ્રેન થતું હોય, કમરનો દુખાવો રહેતો હોય તેઓને મ્યુઝિક થેરેપીથી દુખાવાની દવાઓની જરૂરિયાત ઘટે છે.મ્યુઝિકને કારણે શરીરમાં થતાં બાયોકેમિકલ ફેરફારને કારણે દુખાવો ઓછો કરવા જરૂરી એન્ડોરફીન વધુ બને છે. ઘણા કિસ્સાઓમાં એનેસ્થેશિયા વધુ લાંબો સમય અને અમુક ડોઝમાં આપી શકાય તેમ ન હોય, ત્યારે મ્યુઝિકની મદદથી એનેસ્થેશિયાના ઓછા પ્રમાણ સાથે સર્જરી કરાઈ છે.
સ્ટ્રોકના દર્દીઓને રાહત મળે
મ્યુઝિક સાંભળવાને કારણે બ્રેઈનમાં જે હકારાત્મક અસર થાય છે, તેને કારણે સ્ટ્રોકના દર્દીઓને મ્યુઝિકથી સ્ટીમ્યુલેટ કરવાથી તેમની બોલવાની, એટેન્ટીવ રહેવાની ક્ષમતામાં સુધારો થવાની પ્રક્રિયા ઝડપી બને છે. મ્યુઝિકને કારણે પેશન્ટની વર્તુણકમાં જલ્દી ફરક પડવા લાગે છે. કેમકે મ્યુઝિકથી ખૂબ સૂક્ષ્મ સ્તરે ન્યૂરોએનેટોમિકલ ફેરફાર થાય છે. આયુર્વેદિય પરિભાષામાં વાતનાડીઓમાં વાયુનો પ્રકોપ શાંત થવાથી, વાતનાડીઓમાં સ્વસ્થતા આવવાથી, ક્રિયાશીલતા વધે છે.
મ્યુઝિક શીખતા, વગાડતા, ગાતા, સાંભળનાર વ્યક્તિઓ-બાળકોમાં એક આગવી સક્રિયતા, સંવેદનશીલતા વિકસે છે. જેની સારી અસર બુદ્ધિક્ષમતા, શીખવાની વૃત્તિ, સહનશીલતા જેવી અનેક બાબત પર થાય છે.