- રાજકોટમાં રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂ
- સિવિલ હોસ્પિટલમાં કોવિડ સ્ટાફની પણ કોઈ કમી નથી
- પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની પણ વ્યવસ્થા
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ એકાએક કોરોના કેસમાં વધારો થયો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ આ ચાર મુખ્ય શહેરોમાં રાત્રીના કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, બરોડા અને સુરત જેવા મોટા શહેરોમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂ લગાવવામાં આવ્યું છે. આમ કોરોના સંક્રમણની ચેન રોકવા માટે ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શહેરોમાં રાત્રી કરફ્યૂ લગાવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા પણ કોરોનાના કેસ વધતા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતા ક્યાં પ્રકારની તૈયારી છે. તે અંગે તે માહિતી ETV ભારતે સુપ્રિટેન્ડેન્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો: રાજ્યમાં વધતા જતા કેસને લઈ અમદાવાદ સિવિલ તંત્ર સજ્જ
સિવિલ હોસ્પિટલમાં હાલ 590 બેડની વ્યવસ્થા
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ છે, તેમજ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં હાલ કોવિડ માટે 590 જેટલા બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની પણ વ્યવસ્થા છે. જ્યારે અમે ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને પણ આગામી દિવસોમાં કોરોના સંક્રમણ કેસને લઈને એલર્ટ રહેવા માટેની સુચનાઓ પણ જાહેર કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાના કેસ વધતા જિલ્લા કલેક્ટરે બેઠક યોજી
સામાન્ય લક્ષણ વાળા દર્દીઓ માટે અલગ હોસ્પિટલ
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે, ત્યારે મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દીઓ સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. જેના માટે રાજકોટ વહીવટીતંત્ર દ્વારા હાલ અલગ જગ્યાએ હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે 192 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવનારી છે. જેમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને દાખલ કરવામાં આવશે. જ્યારે ગંભીર લક્ષણોવાળા દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવશે. આ સિવાય પણ વહીવટી તંત્ર દ્વારા રાજકોટના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવશે.
ડોક્ટર સહિતના સ્ટાફ માટે પણ ખાસ વ્યવસ્થા
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા વધુમાં જણાવામાં આવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં પણ તેના માટે સ્ટાફને સૂચના આપવામાં આવી છે અને એલર્ટ રહેવા માટે જણાવ્યું છે. જ્યારે હોસ્પિટલમાં પણ કોવિડ સ્ટાફ માટે આખી અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ એક આખી ગાઈડ લાઇન્સ બનાવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 1થી લઈને કલાસ 4 સુધીના તમામ કર્મચારીઓ હાલ પૂરતા પ્રમાણમાં છે. જેમ-જેમ કોરોના પોઝિટિવ કેસ એટલે કે દર્દીઓ વધશે તો અમે સિવિલ હોસ્પિટલનો મેન પાવર ઉપયોગમાં લેશું. આમ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સ્ટાફની પણ કોઈ કમી નથી.