- તહેવારોની મજા પર મોંઘવારી પડી રહી છે ભારે
- ખાદ્યતેલના ભાવોમાં વધારો થતાં સામાન્ય જનતા પરેશાન
- પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ બાદ ખાદ્યતેલના ભાવો પણ વધ્યા
રાજકોટઃ દેશમાં એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ (Price Hike In Petrol And Diesel)માં દરરોજ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ રાંધણગેસના ભાવમાં પણ વધારો (Price Hike In LPG) જોવા મળ્યો હતો. તો હવે ફરી ખાદ્યતેલના ભાવો (Price Hike In Edible oil) પણ વધ્યા છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો સીંગતેલમાં રુપિયા 70થી લઈને રૂપિયા 80નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલમાં પણ રુ.30થી 40નો ભાવ વધારો નોંધાયો છે. ત્યારે આગામી દિવાળીના તહેવારો સુધી ખાદ્યતેલના ભાવો ઘટે તેવી શક્યતાઓ દેખાઇ રહી નથી. સીંગતેલની માંગમાં સતત વધારો રહેવાના કારણે તેની અસર ભાવ પર પડી હોવાનું વેપારીઓ માની રહ્યા છે.
બજારમાં સારી ક્વોલિટીના તેલની અછત
સીંગતેલના ભાવવધારા પાછળનું મુખ્ય કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બજારમાં હાલ સારા કવોલિટીવાળા તેલની અછત જોવા મળી રહી છે. જ્યારે મોટી મોટી બ્રાન્ડેડ તેલની કંપનીઓ પાસે પણ હાલ જોઈએ એટલા પ્રમાણમાં સીંગતેલની સારી કવોલિટીનો જથ્થો નહીં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ચાલું વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ પાછો ખેંચાયો હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે વરસાદ પાછળથી થયો હોવાના કારણે મગફળી વરસાદમાં પલડી ગઈ છે. જે પલડેલી મગફળી પીલાણમાં ચાલતી નથી, એટલે કવોલિટીવાળું તેલ મળતું નથી.
તહેવારોમાં સીંગતેલની ડિમાન્ડ વધુ
ખાદ્યતેલના ભાવમાં વધારો થવાનું એ પણ કારણ બહાર આવ્યું છે કે અત્યારે તહેવારોની સીઝન શરૂ છે અને ખાદ્યતેલની માંગ વધુ છે. જ્યારે બજારમાં જોઈએ એટલા પ્રમાણમાં કવોલિટીવાળું તેલ આવી નથી રહ્યું, જેના કારણે સીંગતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. આ સાથે જ પલળી ગયેલી મગફળીઓ સુકાઈને બજારમાં આવતાં હજુ 15થી 20 દિવસ જેટલો સમય વીતી જશે. જેની અસર પણ આ ભાવ વધારા પાછળ જોવા મળી રહી છે. આમ છેલ્લા એક અઠવાડિયામાં સીંગતેલમાં રુપિયા 70થી 80નો અને કપાસિયા તેલમાં રુપિયા 30થી 40નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
પામોલિન અને સોયાબીન તેલના ભાવમાં પણ વધારો
સીંગતેલ અને કપાસિયા તેલની સાથે અન્ય તેલ એટલે કે પામોલિન અને સોયાબીનના તેલમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પામોલિનની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસોમાં પામોલિન તેલ આપણે મલેશિયાથી આયાત કરીએ છીએ. ત્યારે ત્યાં પણ પામતેલના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. જેના કારણે ભારતમાં પામતેલના ભાવમાં 70થી 80 રુપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે. એવામાં તહેવારને લઈને પણ ખાદ્યતેલમાં ભાવ વધારો થયો છે.
દિવાળી સુધી તેલના ભાવ ઘટે તેવી શક્યતાઓ ઓછી- વેપારી
રાજકોટમાં વર્ષોથી ખાદ્યતેલની એજન્સી ધરાવતા વેપારી ભાવેશ પોપટે Etv ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેલના ભાવ દિવાળી સુધી ઘટે તેવી શક્યતાઓ નહીવત છે, પરંતુ આગામી દિવસોમાં દશેરાના તહેવાર દરમિયાન નવી મગફળીઓ પીલાણમાં આવતી હોય છે. એવામાં જો નવી મગફળી આવશે અને બજારમાં પણ સીંગતેલની માંગ તે સમયે ઘટી જશે જેને કારણે તેની અસર ભાવ પર પડી શકે છે. હાલમાં સીંગતેલનો ભાવ 15 કિલોના ડબ્બાના 2,550 રૂપિયા અને કપાસિયા તેલના 2,400 રૂપિયાની સપાટી પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે PM નરેન્દ્ર મોદી પર કર્યો કટાક્ષ
આ પણ વાંચો: LPG Price Hike : સામાન્ય માણસને આંચકો, LPG સિલિન્ડરની કિંમત વધી, જાણો કેટલી થઇ કિંમત?