- પ્રાચીને કરાટે માટે કલેક્ટર દ્વારા કરવામાં આવી સન્માનિત
- પ્રાચી અન્ય દીકરીઓ માટે પણ બની પ્રેરણારૂપ
- પ્રાચીએ કરાટેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે
રાજકોટઃ માર્શલ આર્ટ તરીકે જાણીતી આ રમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે આજે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ અનેક ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે. જેમાં આગળ પડતું નામ ધરાવી રહી છે રાજકોટની પ્રાચી જાધવ. 11મા ધોરણમાં અભ્યાસ કરતી રાજકોટની પ્રાચી 2016થી કરાટેની તાલીમ લઈ રહી છે. અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકેલી પ્રાચીને તાજેતરમાં જ રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. કરાટે શીખવાની જિજ્ઞાસા ક્યાંથી જન્મી? એ અંગે વાત કરતાં પ્રાચીએ જણાવ્યું હતું કે, હું નાની હતી ત્યારથી જ મારા પપ્પાની ઇચ્છા હતી કે, સ્વરક્ષણ માટે હું માર્શલ આર્ટ શીખું અને એમની પ્રેરણાથી જ મેં સચીન સર પાસેથી કરાટેની તાલીમ આરંભી. શરૂઆતમાં તો રમત અને ભણતરમાં એક સાથે ધ્યાન દેવામાં ખૂબ મુશ્કેલી પડી, પરંતુ મનમાં મેં ગાંઠ વાળી હતી કે કરાટે તો હું શીખીને જ રહીશ અને મારા પિતા દશરથભાઈ અને માતા સંગિતાબેનના માર્ગદર્શન, દ્રઢ મનોબળ અને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટને કારણે જ હું આજે આ સ્થાને છું. આજે કરાટેના કારણે જ મારામાં સ્પોર્ટસમેનશિપ, ધીરજ અને સહનશીલતા જેવા ગુણો વિકસિત થયા છે.
વાંચો પ્રાચીની વીરગાથા...
પ્રાચી કરાટે અંગે કહે છે કે, કરાટે ન શીખી હોત તો હું વેઈટ લિફ્ટિંગ ક્ષેત્રે આગળ વધી હોત. કારણ કે, આ બન્ને ક્ષેત્રમાં અંતે તો આત્મબળ અને શારીરિક સ્ફૂર્તિ જ મહત્ત્વના છે. દિલ્હી ખાતે એશિયન માર્શલ આર્ટ ટૂર્નામેન્ટ, કડીમાં સ્ટેટ લેવલ ટૂર્નામેન્ટ, રાજકોટમાં ડિસ્ટ્રિક્ટ લેવલની ટૂર્નામેન્ટ, અમદાવાદમાં પ્રાઈવેટ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ અને મધ્યપ્રદેશના જબલપુર ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકેલી પ્રાચીએ પોતાનાં સંસ્મરણો વાગોળતાં કહ્યું હતું કે, જ્યારે આપણાં રાજ્યની બહાર આપણે રમવા જતાં હોઈએ ત્યારે એક અલગ જ અનુભવ થતો હોય છે. મધ્યપ્રદેશમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલાં મારી સહિત અંદાજે 30 જેટલા ખેલાડી જ્યારે ગેમમાં રમવા ઉતરે, ત્યારે અન્ય ખેલાડીઓ તેમને એટલાં બધાં પ્રોત્સાહિત કરે કે એમ જ લાગે કે અમે સૌ એક જ પરિવારના સભ્યો છીએ.
કરાટેમાં 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા
પ્રાચી જાધવે અત્યાર સુધીમાં એક ગોલ્ડ મેડલ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. MP ખાતેની કરાટે અં-17 નેશનલ લેવલની સ્પર્ધામાં સિલ્વર મેડલ વિજેતા થતા રાજ્ય સરકાર દ્વારા પણ તેને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. લૉકડાઉન પૂર્વે અમદાવાદ ખાતે સ્ટેટ લેવલ ચેમ્પિયન્સને સન્માનિત કરવા રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પ્રાચીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના રમતવીરોને પ્રોત્સાહિત કરવા સ્કોલરશીપ આપવામાં આવે છે, તેનો લાભ પણ પ્રાચીને મળ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા બાળકો અને યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુસર ઘણી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જે અમને ઘણી મદદરૂપ થાય છે."
શારીરિક-માનસિક તંદુરસ્તી જાળવવા સ્પોર્ટ્સનું મહત્ત્વ અનેરું
પ્રાચીએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાના કારણે તેઓ દરરોજ 2.30થી 3 કલાક ઘરે જ પ્રેક્ટિસ કરે છે. ભવિષ્યમાં નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મહેચ્છા ધરાવતી પ્રાચી કહે છે કે, ભણતરની સાથે રમત-ગમત જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે. શારીરિક સાથે માનસિક તંદુરસ્તી જાળવવા માટે સ્પોર્ટ્સનું દરેકના જીવનમાં અનેરું મહત્વ છે. તેમાં પણ માર્શલ આર્ટ તરીકે જાણીતી આ રમત મહિલાઓ માટે રમતની સાથે આત્મરક્ષા માટે પણ મહત્વની પૂરવાર થઈ રહી છે.