- રાજકોટમાં બી ડિવિઝન પોલીસે સાઈકલ પર કર્યું પેટ્રોલિંગ
- દિવાળીના તહેવારમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ
- પોલીસને સાઈકલ પર પેટ્રોલિંગ કરતા જોઈ લોકોમાં કુતુહલ સર્જાયું હતું
રાજકોટઃ દિવાળીના તહેવારને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં રંગીલા રાજકોટ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે દિવાળી દરમિયાન પણ કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ સતત કાર્યશીલ છે. તેવામાં રાજકોટની બી ડિવિઝન પોલીસે આજે વિસ્તારમાં સાયકલથી પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાયકલ પર પેટ્રોલિંગ કરવામાં આવતા વિસ્તારમાં થોડા સમય માટે કુતૂહલ સર્જાયું હતું. જ્યારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં દિવાળીને લઈને ખાસ પેટ્રોલિંગ કર્યું હતું.
આ પણ વાંચો- 2 Arrested: રાજકોટમાં ચાલુ કારમાંથી ફટાકડા ફોડવાના મામલે ધરપકડ
લોકોની સમસ્યા દૂર કરવા પોલીસનું સાઈકલ પેટ્રોલિંગ
રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા વિસ્તારમાં સાયકલ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે હાલ દિવાળીનો માહોલ છે. તેવામાં બજારોમાં પણ લોકોની મોટી સંખ્યા જોવા મળે છે, જેને લઈને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક સમસ્યા દૂર થાય, તેમ જ આંગડિયા લૂંટના બનાવ રોકી શકાય તે માટે પોલીસ દ્વારા ખાસ સાયકલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે પેડક રોડ, સંતકબીર રોડ, ગોવિંદબાગ શાક માર્કેટ સહિતની ભીડવાળી જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- દિવાળીમાં ઇમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ તૈયાર
શહેરીજનોમાં કુતૂહલ સર્જાયું
અત્યારે દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. તેવામાં રાજકોટના બી ડિવિઝન પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં સાયકલ વડે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને એકી સાથે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનો કાફલો સાયકલ પર સવાર થતો જોઈને થોડા સમય માટે વિસ્તારના રહેવાસીઓમાં પણ કુતૂહલ સર્જાયું હતું. જ્યારે દિવાળીને લઈને પોલીસ દ્વારા લૂંટ, ધાડ, ચોરી સહિતના ગુનાઓ અટકાવવા સાઈકલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.