- પ્રિન્ટિંગ & ડાઇંગ એસો. અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મામલતદારને પાઠવ્યું આવેદન
- સાડી મોંઘી થતાં ડિમાન્ડ ઘટવાની અને ઉદ્યોગની માઠી થવાની ભીતિ
- GSTનો દર ટેક્ષટાઇલ ઉદ્યોગ અને ગ્રાહકો માટે ખુબ જ અસહ્ય
રાજકોટ: સરકાર દ્વારા જાન્યુઆરી 2022થી ટેક્ષટાઇલ પ્રોડક્ટસ અને કાપડ ઉપરના GSTનો દર 5 ટકાથી વધારી 12 ટકા કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં 12 ટકા GSTનો દર ટેક્ષટાઇલ ઉદ્યોગ અને ગ્રાહકો માટે ખુબ જ અસહ્ય છે.
ગરીબ ગ્રાહકોને આ ભાવ વધારો સહન કરવો પડશે
જેતપુર ખાતેના ટેક્ષટાઇલ એકમોમાં પ્રિન્ટ થતી કોટન સાડી, ડ્રેસ મટીરીયલમાં રો-મટીરીયલ જેવા કાપડ, કલર, કેમીકલ, કોલસો અને પેકેજીંગ મટીરીયલના 20 ટકા જેટલા ભાવ વધારાને લીધે અંદાજીત રુપીયા 35/- પ્રતિ નંગ તથા નવા લાગુ થનાર GSTના વધારાને લીધે રુપીયા 15/- પ્રતિ નંગ દીઠ વધારો થશે. આમ, જેતપુરની સાડી રુપીયા 50/- જેટલી મોંઘી થશે. જેનો માર ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરીસ્સા, આસામ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના ગરીબ ગ્રાહકોને આ ભાવ વધારો સહન કરવો પડશે.
મોઘવારીની અસરથી જેતપુરની સાડીની ડિમાન્ડ ઘટશે
આ મોઘવારીની અસરથી જેતપુરની સાડીની ડિમાન્ડ ઘટશે જેને લીધે આ ઉદ્યોગ પડી ભાંગવાની ભીતિ છે. આથી જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા બુધવારે તમામ ટેક્ષટાઇલ પ્રિન્ટીંગ અને પ્રોસેસીંગ એકમોને સંપૂર્ણ બંધ રાખીને GSTના દરમાં લાગુ કરવામાં આવનાર વધારાનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પગપાળા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું
જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ (Jetpur Chamber of Commerce) તથા જેતપુર ક્લોથ મર્ચન્ટ (Jetpur Cloth Merchant) અને રેડીમેઇડ ગાર્મેન્ટ એસો. (Readymade Garment Asso) દ્વારા સવારે 10 કલાકે એસો.ની ઓફિસથી નીકળી પગપાળા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવા સામે PMO એક્શનમાં: રિપોર્ટ મંગાવ્યા