- ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનું અલ્હાબાદ હાઈકોર્ટનું સૂચન
- હાઈકોર્ટની ટિપ્પણીથી ગૌરક્ષકો ખુશ
- ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની ગૌરક્ષકોની માંગણી
રાજકોટ: તાજેતરમાં જ અલ્હાબાદ કોર્ટ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અંગેની ટિપ્પણી કરવામાં આવી છે. તેમજ સરકારે આ અંગે વિચારણા કરવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને દેશભરમાં ગૌપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે રાજકોટમાં અલગ અલગ સંસ્થાના ગૌરક્ષકો દ્વારા આ હાઇકોર્ટના નિવેદન મામલે રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો છે. ગૌરક્ષકો દ્વારા ગાયને રાષ્ટ્ર પશુ નહીં, પરંતુ રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે: ગૌરક્ષકો
રાજકોટના ગૌરક્ષક એવા કલ્પેશ ગમારાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, કે ગઈકાલે જે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું છે કે ગાય એ ભારતની સંસ્કૃતિમાં સામેલ છે અને સંસ્કૃતિ એના પર આધારિત છે તો ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જ્યારે અમારી માંગ એવી છે કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે. જ્યારે હાઇકોર્ટ દ્વારા ગાય પર કરવામાં આવેલ નિવેદનને લઈને સર્વે ગૌરક્ષક અને ગૌ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાથી અનેક ફાયદા
ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અંગે માલદેવભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગાય એ હિંદુ ધર્મનું પ્રતીક અને અસ્થાનું કેન્દ્ર છે. જ્યારે અમારા પૂર્વજોએ દેશની અને ગાયની રક્ષા માટે ઘણું બલિદાન આપ્યું છે. આ બલિદાન વ્યર્થ ન જાય તે માટે સરકારે ગાયને વહેલી તકે રાષ્ટ્ર માતા જાહેર કરવી જોઈએ. ગાય આપણને અમૂલ્ય અમૃત સમાન એવું દૂધ, ઘી જેવી અનેક ચીજો આપે છે. ગાયનું છાણ ઘણા રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ આપે છે. આપણો દેશ આર્થિક રીતે આગળ વધી શકે તે માટે પણ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ.
હાઇકોર્ટના સુચનનો અમલ તાત્કાલિક કરવો જોઈએ
રાજકોટના ગૌક્ષક રાજેશ મોટવાણીએ અલ્હાબાદ હાઇકોર્ટના નિવેદન અંગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વિવિધ હિંદુ સંગઠનના લોકો માંગ કરી રહ્યા છે. આવામાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ગઈકાલે ગાયને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને અમે ખૂશી અનુભવી રહ્યા છીએ. અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે સરકાર દ્વારા પણ આ મામલે તાત્કાલિક અમલ કરવામાં આવે. જેથી સોનામાં સુગંધ ભળે અને હિંદુ ધર્મના લોકોમાં પણ ખુશીનો માહોલ છવાય.
વધુ વાંચો: ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા હાઈકોર્ટનું સૂચન, જાણો શું છે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ
વધુ વાંચો: અલ્હાબાદ કોર્ટે કહ્યું, ગાયને કોઇ ધર્મ સાથે ન જોડો, રાષ્ટ્રીય પશુ જાહેર કરો