શહેરમાં એક અનોખું મંદીર આવ્યું છે. જ્યાં સામાન્ય કરતાં વિશેષ પ્રસાદ ધરાવાય છે. અહીં માતાજીને પાણીપુરી, પીઝા, હોટડોગ અને ઠંડાપીણાં ધરાવવામાં આવે છે. આ મંદિરનાં પ્રસાદમાં પણ બધી વસ્તુઓ આપવામાં આવે છે. આ મંદિર રાજકોટના કોર્પોરેશન ચોકમાં આવ્યું છે. આ મંદિરમાં જીવંતિકા માતા બિરાજમાન છે. એવી માન્યતા છે કે જીવંતિકા માતા સંતાનોની રક્ષા કરે છે. તેમજ તેમની મુશ્કેલીઓ દૂર કરે છે.
મહિલા શ્રદ્ધાળુઓ મોટાભાગે શ્રાવણ મહિનામાં પોતાના સંતાનો માટે જીવંતિકા માતાનું વ્રત રાખે છે. તેમજ માતા તેના સંતાન માટે પણ જે કઈ માનતા રાખી હોય છે, તે જીવંતિકા માતા અવશ્ય પૂર્ણ કરે છે. આ માટે જ અહીં બાળકોને પ્રિય હોય અથવા બાળકોને જે ખાદ્ય વસ્તુઓ ભાવતી હોય તેનો પ્રસાદ ધરવામાં આવે છે.
માનવામાં આવે છે કે રાજકોટમાં આ સ્થળે જીવંતિકા માતાનું સ્થાન અંદાજીત 150 વર્ષ જુનુ છે. તેમજ આ મંદિરની પ્રસિદ્વ રાજકોટ સહિત દેશ-વિદેશમાં છે. શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન ઈન્ટરનેટના માધ્યમથી કરતા હોય છે. મહત્વની વાત છે કે અહીં બાળકોને પ્રિય વસ્તુઓ એટલે કે ચોકલેટ, પીઝા, કોલડ્રિન્ક, બિસ્કિટ સહિતની વસ્તુઓ પ્રસાદના રૂપે મળતી હોય છે જેને લઈને અહીં સવાર સાંજ આરતી સમયે બાળકોની વધુ ભીડ જોવા મળે છે. લોકો મની ઓર્ડરથી પણ પ્રસાદ માટે પૈસા ચુકવી પુણ્ય કમાય છે.