- નવા મેયર સહિતના પદાધિકારીઓની કરાશે નિમણુંક
- મ્યુનિસિપલ કમિશ્નરે 18 વૉર્ડના 72 કોર્પોરેટરોની પ્રથમ બેઠક બોલાવી
- ચૂંટાયેલા ઉમેદવારોની પ્રથમ બેઠક આગામી 11 તારીખના રોજ યોજાશે
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મત ગણતરી હાથ ધરવામાં આવ્યા બાદ ચૂંટાયેલા ઉમેદવારોની પ્રથમ બેઠક મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા યોજવાની હોય છે. જે આગામી 11 તારીખના રોજ યોજાશે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશ્નરે રાજકોટ શહેરના કુલ 18 વૉર્ડના 72 કોર્પોરેટરોની પ્રથમ બેઠક બોલાવી છે. જે આગામી તારિખ 11-3-2021ના રોજ શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજવાની છે. જેમાં રાજકોટ મનપાના મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના 12 સદસ્યઓની પણ નિમણુંક કરવામાં આવશે. આ બેઠક અંગેની જાણ રાજકોટમાં ચૂંટાયેલા તમામ નવા ઉમેદવારોને કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોણ બનશે મેયર, પદ માટે 6 કોર્પોરેટરો વચ્ચે જામશે હરિફાઈ
72 માંથી ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર
રાજકોટ મહાનગરપાલિકાની તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. મનપાની 72 બેઠકમાંથી 68 બેઠક ભાજપે કબ્જે કરી છે. જ્યારે કોંગ્રેસને 4 બેઠક મળી છે. રાજકોટના કુલ 18 વૉર્ડમાંથી 17 વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો ચૂંટાયા છે. જ્યારે વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલ એટલે કે, કોંગ્રેસના 4 કોર્પોરેટરો ચૂંટાયા છે.