રાજકોટ: રાજ્યમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ છે, ત્યારે રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે. રાજકોટ શહેરની PDU હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે સમયસર સવારે નાસ્તો તેમજ ત્યાર બાદ લીંબુ પાણી, ફ્રુટ અને બપોરે ભોજન ઉપરાંત સાંજે ચા બિસ્કીટ તેમજ રાત્રે ભોજન અને દૂધ આપવામાં આવે છે.
આ પણ વાંચો : સુરતના કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓ અને તબીબી સ્ટાફ માટે એક જ રસોડે બની રહ્યું છે ભોજન
કોવિડ હોસ્પિટલમાં ફુડ વ્યવસ્થા બાબતે સંકલન કરતા નાયબ કલેકટર રાજેશ આલે જણાવ્યું હતું કે, દરેક દર્દીઓને સમયસર પૂરતું ભોજન નાસ્તો મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ કામગીરી માટે એક ટીમ મોનીટરીંગ કરે છે. CCTV કેમેરા દ્વારા પણ દરેક દર્દીને આ સેવા મળે છે કે કેમ તેનુ ધ્યાન રાખવામાં આવે છે. રાજકોટ PDU હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દીઓએ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવતી ભોજનની સારીમાં સારી વ્યવસ્થા અંગે આભારની લાગણી વ્યક્ત કરી છે.