- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર કેવી રહેશે અસર?
- ચૂંટણીના પ્રચાર પ્રસારમાં તમામ પક્ષો જોડાયા
- વરિષ્ઠ પત્રકાર અને રાજકીય તજજ્ઞ સુનિલ જોશી સાથે વાતચીત
રાજકોટ : રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે. ત્યારે આ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં તમામ પક્ષો લાગી ગયા છે અને જીત માટેનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ અલગ અલગ સમાજ દ્વારા પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઊંઝા ખાતે લેઉવા અને કડવા પાટીદારોની બેઠક પણ યોજાઈ હતી. જેમાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ જેતપુર ખોડલધામ ખાતે પણ પાટીદાર સમાજની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપના બન્ને પક્ષોના પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
કોઈપણ પક્ષમાં પાટીદારોને વધુ બેઠક મળે તેવો હેતુ?
ગુજરાતમાં વર્ષોથી પાટીદાર સમાજની ચૂંટણી દરમિયાન અસર વર્તાતી જોવા મળતી હોય છે. ત્યારે તાજેતરમાં જ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ છે. જેને લઇને પાટીદાર સમાજ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ETV BHARAT દ્વારા આ અંગે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય તજજ્ઞ સુનિલ જોશી સાથે વાતચીત કરતાં તેમને જણાવ્યું હતું કે, આ પ્રકારની સમાજલક્ષી બેઠકોનો મુખ્ય હેતું એવો પણ હોય શકે છે કે, ભાજપ કે કોંગ્રેસમાં પાટીદાર સમાજના લોકોને વધુ ફાયદો થાય અને વધુ બેઠક મળે. આ સાથે જે વિસ્તારમાં સમાજના મતદારો વધુ પ્રમાણમાં છે, તેવા પ્રકારની બેઠક દરમિયાન સમાજને ફાયદો પણ થઈ શકે છે.
ભૂતકાળમાં પણ આવા સંમેલનો યોજાયા છે
તાજેતરમાં જ ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદારોની બેઠક યોજાયા બાદ ઊંઝા ખાતે પણ આ જ પ્રકારની બેઠક યોજાઇ છે. ત્યારે આ અંગે સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આ પ્રકારના સંમેલનો યોજાયા હતા. જેની અસર પણ આપણે જોઈ છે. જો કે, આ બેઠકને લઈને એવું જણાઇ રહ્યું છે કે, પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રાજકીય પક્ષોમાં તેમના સમાજનું પ્રભુત્વ વધે, તેવા પ્રયાસો થઈ રહ્યા છે. તેમજ જે પાર્ટી કે રાજકીય પક્ષ સાથે તેમની વિચારધારા જોડાઈ હોય, તો તે રાજકીય પક્ષને આ પ્રકારની બેઠકથી ફાયદો પણ થતો હોય છે.