- સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો
- રાજકોટ સહિતના જિલ્લાઓના ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું
- ખેડૂતોએ વાવણી કર્યા બાદ હવે વરસાદ પાછો ખેંચતા મુશ્કેલી સર્જાઈ છે
રાજકોટ: રાજ્યમાં ચોમાસુ સક્રિય છે, એવામાં સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો. જ્યારે સારો વરસાદ થતાં જ રાજકોટ સહિતના જિલ્લાઓના ખેડૂતો દ્વારા વિવિધ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોએ વાવણી કર્યા બાદ હવે વરસાદ પાછો ખેંચતા મુશ્કેલી સર્જાઈ છે. વાવેતર બાદ ખેડૂતોના પાકને પિયતનું પાણી નહિ મળે તો આગામી દિવસોમાં પાક નિષ્ફળ જવાની સ્થિતિ પણ સર્જાઈ છે. જેને લઈને હાલ ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો- કચ્છ જિલ્લામાં સમયસર વરસાદ ન આવતા વાવણી વ્યર્થ જાય તેવી ભીતિ
રાજકોટના 5 તાલુકાઓમાં સારો વરસાદ
રાજકોટમાં કુલ 11 તાલુકાઓ આવેલા છે. જેમા ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો હતો. 11માંથી 5 તાલુકામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ અન્ય 6 તાલુકામાં જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ પડ્યો નથી. જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો આગામી દિવસોમાં આ 6 તાલુકામાં વરસાદ નહિ પડે તો ત્યાં જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તે નિષ્ફળ જશે. જેને લઈને 6 તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
છેલ્લા 15 દિવસથી નથી થયો વરસાદ: ખેતીવાડી અધિકારી
રાજકોટ જિલ્લામાં વરસાદને લઈને જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી આર.એસ. ટીલવાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી જિલ્લામાં સારો વરસાદ થયો નથી. જ્યારે ખેડૂતો દ્વારા સમયસર વાવેતર કરવામાં આવ્યું છે. વાવેતર થઈ ગયા બાદ વરસાદ સારો આવ્યો હતો. જેને લઈને ખેતરોમાં મોલની પરિસ્થિતિ ખૂબ જ સારી છે. જો અગામી બે-ચાર દિવસમાં સારો વરસાદ નહિ થાય તો આ મોલ પર તેની માઠી અસર થઇ શકે છે. જ્યારે નબળી જમીન પરથી આ મોલ સુકવવાનું શરૂ થઈ શકે છે.
પડધરી અને વીંછીયા તાલુકામાં ઓછો વરસાદ
રાજકોટના ગોંડલ, કોટડા સાંગાણી, ધોરાજી, લોધિકા અને રાજકોટ આ પાંચ તાલુકાઓમાં હાલ સારો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ પડધરી અને વીંછીયા તાલુકામાં નોંધાયો છે. જેને લઈને જો આગામી દિવસોમાં સારો વરસાદ નહિ થાય તો આ બન્ને તાલુકામાં પાક નિષ્ફળ જવાની શક્યતાઓ વધારે છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેનો લાભ ખેડૂતોને મળી શકે છે.
આ પણ વાંચો-Gujarat rain update: રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ
મગફળી અને કપાસનો મુખ્ય પાક સુકાવવાની ભીતિ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે. જ્યારે આ સિવાયના પાકોનું પણ વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલા વાવેતરમાંથી 274 લાખ હેકટર મગફળીને, 198 લાખ હેકટર કપાસને જ્યારે 10.5 હજાર હેકટર સોયાબીનને અને 10 હજાર હેકટર ઘાસચારાને નુક્સાન થવાની ભીતિ છે. જેને લઈને રાજકોટ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.