- રાજકોટમાં ટ્રાફિક પોલીસ મૂકાઈ શરમમાં
- 3 ટ્રાફિક વોર્ડે યુવાનોને માર મારી કરી લૂંટ
- નોકરી અપાવવાના બહાને બોલવતા હતા યુવાનોને
- એક ફરિયાદના આધારે આરોપીઓનો ફૂટ્યો ભાંડો
રાજકોટઃ રાજકોટમાં 3 ટ્રાફિક વોર્ડને ટ્રાફિક પોલીસનું મોઢું કાળું કરી નાખ્યું છે. યુવાનોને નોકરીની લાલચ આપી લૂંટી લેતા 3 ટ્રાફિક વોર્ડનને રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ 3 ટ્રાફિક વોર્ડન યુવાનોને રોજકારીની લાલચ આપતા હતા. જ્યારે યુવાનો અહીં આવતા તો તેમની પાસેથી તમામ વસ્તુ લઈને લૂંટ ચલાવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય શખસને ઝડપી તેમની પાસેથી પ્લાસ્ટિકના પાઈપ, લાઈટર પિસ્તોલ, ટેબલેટ, મોબાઈલ ફોન, રોકડ રૂપિયા અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં વધુ ગુનાઓ ખૂલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
![લો બોલો... રાજકોટમાં ટ્રાફિક વોર્ડન જ યુવાનોને લૂંટી રહ્યા છે, જુઓ કેવી રીતે ફૂટ્યો ભાંડો...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9274307_worden_7202740.jpg)
ત્રણેય આરોપીઓ ટ્રાફિક વોર્ડન તરીકે બજાવે છે ફરજ
ક્રાઈમબ્રાન્ચે માધવ ઉર્ફે સતીષ વિક્રમભાઈ રાણાભાઈ જળુ, ભૌતિક ભીખાભાઈ અરજનભાઈ ચાવડા, વિશાલ માણસુરભાઈ નારણભાઈ ચાવડાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપી છેલ્લા બે વર્ષથી રાજકોટ TRBમાં નોકરી કરે છે. જ્યારે માધવ અને વિશાલ છેલ્લા 6-7 મહિનાથી ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવે છે. જેની ધરપકડ બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે.
TRB કેવી રીતે આચરતા હતા ગુનો
ઝડપાયેલા ત્રણેય ટ્રાફિક વોર્ડન સોશિયલ મીડિયા મારફતે અલગ-અલગ રાજ્યના બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપીને રાજકોટ બોલાવતા હતા. ત્યારબાદ આ અન્ય રાજ્યના યુવાનો જેવા જ રાજકોટ આવે ત્યારે તેમને અવાવરું જગ્યાએ લઈને જતા હતા. ત્યાં યુવાનોને માર મારી તેમના મોબાઈલ ફોન, રોકડ રૂપિયા, સહિતની વસ્તુઓની લૂંટ ચલાવતા હતા. આમ, અન્ય રાજ્યના યુવાનોને નોકરીની લાલચ આપીને રાજકોટના TRB જવાનો છેતરપિંડી આચરીને તેમને લૂંટી લેતા હતા.
હરિયાણા અને ઉત્તરપ્રદેશના બે યુવાનો બન્યા ભોગ
તાજેતરમાં જ રાજકોટ કુવાડવા પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો હતો. જેને લઈને ક્રાઇમબ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે, હરિયાણા અને યુપીના બે યુવાન મિત્રોને રાજકોટમાં કંપનીમાં નોકરીએ રખાવી દેવાની લાલચ આપી રાજકોટના માધાપર ખાતે બોલાવ્યા હતા. અહીંથી બંનેને અલગ-અલગ બાઈકમાં બેસાડી ગવરિદળની સીમમાં કાચા રસ્તે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને પ્લાસ્ટિકના પાઈપથી ફટકારી બંને પાસેથી રોકડ અને ટેબલેટની લૂંટ ચલાવી ત્રણેય શખસ ભાગી ગયા હતા. બાદમાં લૂંટનો ભોગ બનેલા હરિયાણા અને યુપીના બંને યુવાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રિવોલ્વર અને પિસ્તોલ જેવા હથિયારોના પણ ફોટા મોકલાવીને આચરતા છેતરપીંડી
ઝડપાયેલા ત્રણ TRB જવાનોમાં માધવ નામનો ટ્રાફિક વોર્ડન નોકરીએ જોડાયો તેના એક વર્ષ અગાઉ સોશિયલ મીડિયા મારફતે ફ્રેન્ડ બનાવી હથિયાર રિવોલ્વર, પિસ્તોલ સહિતના હથિયારો સસ્તા ભાવ આપવાના બહાને અન્ય રાજ્યમાંથી યુવાનોને રાજકોટ બોલાવતો હતો અને ત્યારબાદ આ યુવાનો જેવા હથિયાર માટે રાજકોટ આવે ત્યારે તેમને માર મારીને લૂંટી લેતો હતો. જેને મુખ્યત્વે રાજસ્થાન અને હરિયાણાને યુવાનોને પોતાના શિકાર બનાવ્યા છે. અન્ય રાજ્યોમાંથી યુવાનોને નોકરીના બહાને બોલાવતા હતા.